Bihar: આખરે શિક્ષણ વિભાગ જાગ્યું, બાળકો બીમાર પડ્યા બાદ લીધો આ નિર્ણય
પટણાઃ બિહારમાં કાળઝાળ ગરમીમાં શાળાઓ ખુલ્લી હોવાથી બાળકો બીમાર પડી રહ્યા હોવાની માહિતી સામે આવી હતી. બુધવારે આકાશમાંથી અગનગોળા વરસતા હતા અને શાળાઓ ચાલુ હતી, જેને કારણે શાળાના સો જેટલા બાળકો બીમાર થયા હોવાની માહિતી બહાર આવી હતી. ડઝનબંધ જિલ્લાઓમાંથી બાળકોની તબિયત બગાડવાના સમાચારો આવ્યા હતા, જેને લઇને વહીવટી અને રાજકીય વિભાગોમાં ખળભળાટ મચી ગયો હતો. એલજેપી ચીફ ચિરાગ રામવિલાસ પાસવાનથી લઈને વિપક્ષના નેતા તેજસ્વી યાદવે આ માટે કે કે પાઠકને નિશાન પર લીધા હતા. આવી સ્થિતિમાં હવે આઈએએસ કે કે પાઠક બેકફૂટ પર આવી ગયા છે.
ભારે દબાણ બાદ આખરે શિક્ષણ વિભાગના અધિક સચિવ કે કે પાઠકે પીછેહઠ કરવી પડી છે. માધ્યમિક શિક્ષણ નિયામક કન્હૈયા પ્રસાદ શ્રીવાસ્તવે બુધવારે બપોરે એક આદેશ જારી કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ધોરણ 1 થી 8 ના બાળકો માટે શાળાઓ સવારે 6 થી 10 સુધી ચાલશે તેમજ વિશેષ વર્ગો પહેલાની જેમ ચાલુ રહેશે. 10 વાગ્યા પછી બાળકોને મધ્યાન ભોજન આપવામાં આવશે અને ત્યારબાદ બાળકોને શાળામાંથી છૂટ્ટી આપવામાં આવશે. જોકે, ધોરણ આઠથી ઉપરના વર્ગો માટે શાળાના સમય સવારે છ થી બપોરના 12:00 વાગ્યા સુધીનો જ રહેશે.