ટોપ ન્યૂઝનેશનલ

શું લાલુ પ્રસાદની નબર ગેમ ‘Nitish Kumar’નું ગણિત બગાડશે

પટનાઃ બિહારમાં રાજકારણ ફરી ડહોળાયું છે અને ગણતરીની કલાકોમાં જ મોટી ઉથલપાથલ થવાની સંભાવના છે. ત્યારે નીતિશ કુમાર (NitishKumar) ને પછાડવા લાલુ પ્રસાદ અને પુત્ર તેજસ્વી યાદવે અલગ જ નંબર ગેમ રમવાનું નક્કી કર્યું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

બિહારમાં JDU-BJP ગઠબંધનના સમાચારો વચ્ચે નીતીશ અને તેજસ્વી વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન આરજેડી હવે નીતીશ કુમારને મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહી છે અને આ માટે તેણે ગેમ પ્લાન તૈયાર કર્યો છે. આરજેડી જાણે છે કે તેઓ સંખ્યાના જોરે નીતિશ કુમારને સરકાર બનાવતા રોકી શકે તેમ નથી. આથી નીતિશને સંભવિત શપથવિધિ બાદ ઉથલાવવાની તજવીજમાં યાદવ પિતા-પુત્ર હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.


આરજેડીનો ગેમ પ્લાન પ્રમાણે બિહાર વિધાનસભાનું બજેટ સત્ર 5 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યું છે. જ્યારે નીતીશ કુમાર વિધાનસભા સત્ર દરમિયાન વિશ્વાસ પ્રસ્તાવ લાવશે જેડીયુના લગભગ 16 જેટલા વિધાનસભ્યો કાં તો ગેરહાજર રહે અથવા રાજીનામું આપી દે તો નીતિશને જોઈતી બહુમતી મળે નહીં. આમ થવાથી બિહાર વિધાનસભાની સંખ્યા 243 થી ઘટીને 227 થઈ જશે અને પછી નીતિશ કુમારની સરકાર પડી જશે.


16 ધારાસભ્યોના રાજીનામા બાદ વિધાનસભામાં સંખ્યાબળ ઘટીને 227 થઈ જશે અને મહાગઠબંધનમાં 114 ધારાસભ્યો છે, તો નીતીશ કુમારની સરકાર પડી ગયા બાદ તેજસ્વી યાદવ સરકાર બનાવી શકે છે. સવાલ એ થાય છે કે જેડીયુના 16 ધારાસભ્યો રાજીનામું આપશે કે કેમ. હવે અનુમાન એવું લગાડવામાં આવે છે કે કે બિહારમાં આગામી વર્ષમાં ચાર ચૂંટણીઓ યોજાવાની છે. લોકસભાની ચૂંટણી, રાજ્યસભાની ચૂંટણી, MLCની ચૂંટણી અને પછી બિહાર વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે યોજાવાની છે. આ 16 ધારાસભ્યોને આરજેડી દ્વારા સીટ ઓફર કરવામાં આવી શકે છે અથવા તો અન્ય કોઈ લાલચ આપવામાં આવી શકે છે.


જેમકે કેટલાકને રાજ્યસભામાં મોકલવામાં આવશે, કેટલાકને લોકસભાની ટિકિટ આપવામાં આવશે, કેટલાકને એમએલસી અને મંત્રી બનાવવામાં આવશે અને કેટલાકને આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવાનું વચન આપવામાં આવશે.

બિહાર વિધાનસભાની સંખ્યાની રમત વિશે વાત કરીએ તો, 243 સભ્યોના ગૃહમાં બહુમતી માટે જરૂરી જાદુઈ આંકડો 122 ધારાસભ્યોનો છે. લાલુ યાદવની આગેવાની હેઠળની આરજેડી 79 સભ્યો સાથે સૌથી મોટી પાર્ટી છે, જ્યારે ભાજપ 78 ધારાસભ્યો સાથે બીજા સ્થાને છે. નીતિશ કુમારની પાર્ટી જેડીયુ 45 ધારાસભ્યો સાથે ત્રીજી પાર્ટી છે. કોંગ્રેસ પાસે 19 અને ડાબેરીઓ પાસે 16 ધારાસભ્યો છે. જો આપણે RJD, કોંગ્રેસ અને ડાબેરીઓના ધારાસભ્યોની સંખ્યા ઉમેરીએ તો કુલ સભ્યોની સંખ્યા 114 સુધી પહોંચે છે, જે બહુમત માટે જરૂરી જાદુઈ આંકડા કરતા ઓછી છે.


ભાજપની આગેવાની હેઠળના એનડીએની વાત કરીએ તો, ગઠબંધનની આગેવાની કરી રહેલી પાર્ટી પાસે 78 ધારાસભ્યો છે. જીતન રામ માંઝીની આગેવાની હેઠળની હમ પાર્ટી પાસે 4 ધારાસભ્યો છે. જો નીતીશ કુમારને માઈનસ કરીએ તો એનડીએના ધારાસભ્યોની સંખ્યા 82 થઈ જાય છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીમાં એક ધારાસભ્ય પણ છે જે ન તો એનડીએમાં સામેલ છે કે ન તો મહાગઠબંધનમાં. જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો એનડીએ હોય કે મહાગઠબંધન, નીતિશ કુમારની પાર્ટી ગમે તે દિશામાં જાય, સરકાર બની જશે અને બચી જશે તેમ માનવામા આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button