રેલીમાં લાલુ પર વરસેલા કેન્દ્રીય ગૃહપ્રધાનનું નીતિશકુમાર માટે નરમ વલણ, શું NDAમાં પરત ફરશે બિહારના સીએમ?
G-20ના રાત્રિભોજનમાં બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારના સામેલ થયા બાદ બિહારના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. બિહારની રાજનૈતિક ગલીઓમાં એવી ચર્ચાઓ થવા લાગી છે કે I.N.D.I.A. ગઠબંધનમાં પોતાની અવગણના થતા નીતિશકુમાર હવે NDAમાં પરત ફરવાના રસ્તા શોધી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે બિહારમાં રેલી દરમિયાન લાલુ અને નીતિશના સંબંધની તેલ અને પાણી સાથે સરખામણી કરી અને કહ્યું કે બંને એકસાથે બિલકુલ ટકે એવા નથી. જો કે પોતાની રેલીઓમાં કેન્દ્રીય ગૃહપ્રધાન લાલુ પર તો વરસ્યા પરંતુ નીતિશ કુમારને લઇને એટલા આક્રમક જોવા ન મળ્યા. તેમના ભાષણમાં તેઓ જે રીતે નીતિશકુમાર કરતા લાલુ યાદવ પર વધારે આક્રમક પ્રહારો કરી રહ્યા હતા તેને જોતા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કદાચ નીતિશકુમાર NDAનો ફરી હાથ પકડે તેવા સંજોગો ઉભા થયા છે.
બિહારના દરભંગામાં યોજાયેલી એક રેલીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લાલુ યાદવ અને નીતિશકુમાર પર પ્રહારો કરતા કહ્યું હતું કે આ એ જ લાલુ યાદવ છે જેમણે બિહારમાં કરોડો-અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો. બિહારમાં ફરીવાર ગુંડારાજ આવી ગયું છે અને નીતિશકુમાર-લાલુની જોડા તેલ અને પાણી સમાન છે.
કેટલાક દિવસો પહેલા તેમણે જાહેરાત કરી હતી કે બિહારમાં રક્ષાબંધન અને જન્માષ્ટમીની રજાઓ નહિ હોય પરંતુ બિહારની જનતાએ આ નિર્ણય સામે જે આક્રોશ વ્યક્ત કર્યો તેનાથી તેમનું મગજ ઠેકાણે આવી ગયું. આ માટે હું બિહારની જનતાનો આભાર માનું છું. તેમણે જણાવ્યું હતું કે દેશમાં ઘમંડી ગઠબંધનના લોકો અને બિહારમાં તેને સાથ આપનાર લોકોને ઉખાડી ફેંકીશું. બિહારમાં મોટા પરિવર્તનની જરૂર છે.
સરકાર નહિ સુશાસન જોઇએ, ગુંડારાજ નહિ, જનતારાજ જોઇએ. 3 દાયકાઓથી પણ વધુ સમય જે લોકોએ સત્તા ભોગવી છે એ લોકોએ જો ઇમાનદારીપૂર્વક તેમનું કામ કર્યું હોત તો આજે આપણા બાળકોને બહાર જવાની જરૂર ન પડત. હું બિહારની જનતાનો આભાર માનું છું કે વર્ષ 2014માં 40 ટકા વોટ અને 31 બેઠકો સાથે તેમણે મોદીજીને વડા પ્રધાન બનાવ્યા. ઝંઝારપુરની જનતા જે ઉત્સાહ સાથે મોદીજીને સમર્થન આપી રહી છે તેને જોતા મને વિશ્વાસ છે કે બિહારમાં તમામ 40 લોકસભા બેઠકો પર NDA અને ભાજપ જીતશે એમ કેન્દ્રીય ગૃહપ્રધાને રેલીમાં જણાવ્યું હતું.