બિહારમાં એનડીએની બેઠક વહેંચણીની જાહેરાત , જાણો ક્યાં પક્ષને મળી કેટલી બેઠકો ?

પટના : બિહારમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે એનડીએ બેઠક વહેંચણી મુદ્દે સર્જાયેલી મડાગાંઠ પર ઉકેલાઈ ગઈ છે. જેમાં બિહારમાં ભાજપના પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પર એનડીએ ની બેઠક વહેંચણી ફોર્મ્યુલા શેર કરી હતી. જેમાં ભાજપ 101 બેઠક અને નીતિશ કુમારની જેડીયુ પણ 101 બેઠક પર ચૂંટણી લડશે. જયારે ચિરાગ પાસવાનના નેતુત્વવાળી એલજેપીને 29, આરએલએમ 06 અને એચએએમને 06 બેઠક ફાળવવામાં આવી છે.
એનડીએની જીત માટે સાથી પક્ષો કટિબદ્ધ
આ અંગે કેન્દ્રીય મંત્રી ભાજપના બિહારના પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, આ અંગે લાંબા સમયથી સાથી પક્ષો સાથે ચર્ચા ચાલી રહી હતી. જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ બિહારમાં ફરી એકવાર એનડીએના શાસન માટે કટિબદ્ધ થયા છે. જેના લીધે બેઠક વહેંચણી પર તમામ નેતાઓએ ખુશી વ્યક્ત કરી હતી. તેમજ એનડીએના
સાથી પક્ષોએ બેઠક વહેંચણી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ કરી હતી.
આ પણ વાંચો: બિહારમાં ભારે સુરક્ષા વચ્ચે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ, 1 લાખ સુરક્ષા જવાન તૈનાત કરાશે
1 લાખ સુરક્ષા જવાનો તૈનાત
બિહાર વિધાનસભા ચૂંટણીઓની જાહેરાત બાદ ચૂંટણી પંચે તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં નિષ્પક્ષ, શાંતિપૂર્ણ અને સલામત વિધાનસભા ચૂંટણી માટે 1 લાખ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવી શકે છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા જવાનો બિહાર પોલીસ સાથે કાર્ય કરશે.
બિહાર વિધાનસભા માટે બે તબક્કામાં મતદાન
ચૂંટણી પંચે 243 બેઠકની બિહાર વિધાનસભા માટે બે તબક્કામાં મતદાનની તારીખો જાહેર કરી છે. જેમાં પ્રથમ તબકકા માટે મતદાન 6 નવેમ્બરે યોજાશે. જ્યારે બીજા તબક્કા માટે મતદાન 11 નવેમ્બરે યોજાશે. બિહાર વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી 14 નવેમ્બરે થશે