Bihar: સત્તાનો મદ તો જૂઓ, પ્રોફેસરે ભેટવાની કોશિશ કરી તો પ્રધાને કર્યો આવો વ્યવહાર
Loksabha elections આજકાલમાં જાહેર થાય તેવી સંભાવના છે. એક વાર ઉમેદવારી નક્કી થઈ એટલે ગામ હોય કે શહેર દરેક પક્ષના નેતાઓ હાથ જોડીને તમારી પાસે આવશે અને તમે જાણે ભગવાન હો તે રીતે તમારી સાથે વર્તન કરશે. પણ જેવી ચૂંટણી પૂરી થઈ અને નેતાજી જીતી ગયા એટલે મોટેભાગે તો તેમના દર્શન જ દુર્લભ થઈ જશે અને ત્યારબાદ તમને ઠાલા વચનો મળશે અને ક્યારેક ધુતકાર પણ મળે. જોકે બિહારના જેડીયુના બે નેતાજીઓએ તો ચૂંટણીનો વિચાર પણ ન કર્યો અને એક પ્રોફેસર કક્ષાની વ્યક્તિને જાહેરમાં ધુતકારી દીધી હોવાનો કિસ્સો બન્યો છે. અહીંના સાંસદ અને ગ્રામીણ વિકાસ પ્રધાની એક ઘટના વાયરલ થઈ છે અને અહેવાલો વહેતા થયા છે.
અહીં નાલંદા ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમાં સ્થાનિક સાંસદ (JDU)ના કૌશલેન્દ્ર કુમાર અને નીતીશ સરકારના ગ્રામીણ વિકાસ પ્રધાન શ્રવણ કુમાર (JDU) હાજર હતા. કાર્યક્રમ પૂરો થયો એટલે બન્ને નેતાજી નીકળતા હતા ત્યારે અહીં હાજર એક પ્રોફેસર શ્રવણ કુમારને ભેટવા ગયા, પરંતુ નેતાજીનો પીત્તો ગયો અને તેણે પ્રોફેસરને કહી દીધું કે ગળે કેમ મળો છો, તમે મારા સગા છો, આ શું વેવાઈ મિલન ચાલે છે. પ્રોફેસરે પ્રેમ અને અહોભાવથી તેમને ભેટવાની કોશિશ કરી હતી, પરંતુ પ્રધાને તેમની પોસ્ટ કે સન્માન કઈ જોયા વિના બધા સામે તેમને આ રીતે હડધૂત કર્યાની તસવીરો વાયરલ થઈ રહી છે.
થોડા દિવસો પછી આ જ ખાદીધારી નેતાઓ હાથ જોડી જનતાને મતની અપીલ કરતા દેખાશે ત્યારે સત્તાનો મદ દેખાડતા આવા નેતાઓને જનતાએ પણ પાઠ ભણાવવો જોઈએ.