‘ઇસ્લામિક રિપબ્લિક ઓફ બિહાર…’ નીતીશ સરકારના રજાના કેલેન્ડર પર છેડાઇ ગયો વિવાદ
પટનાઃ બિહારમાં ફરી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. હવે સંઘર્ષનું કારણ બિહાર સરકાર દ્વારા ધોરણ 12 માટે જાહેર કરાયેલ રજાનું કેલેન્ડર બની ગયું છે. બિહાર સરકારે વર્ષ 2024 માટે શાળાની રજાઓનું કેલેન્ડર બહાર પાડ્યું છે જેમાં મહાશિવરાત્રી, જન્માષ્ટમી અને રક્ષાબંધન જેવા તહેવારોના નામ નથી. આને લઈને વિપક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP)એ નીતિશ કુમારની આગેવાનીવાળી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપે કટાક્ષ કરતા કહ્યું છે કે નીતીશ સરકારે બિહારને ઈસ્લામિક રાજ્ય જાહેર કરવું જોઈએ.
વર્ષ 2024માં બિહારની સરકારી શાળાઓમાં કયા દિવસે રજા રહેશે? રાજ્યના શિક્ષણ વિભાગે આ અંગેનું કેલેન્ડર બહાર પાડ્યું છે. પ્રથમ વખત ધોરણ 1 થી 12 માટે એક જ રજાનું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જાહેર કરાયેલા કેલેન્ડર મુજબ, આ વર્ષે 2024માં મહાશિવરાત્રી, જન્માષ્ટમી, રક્ષાબંધન, તીજ અને જિતિયા (અહીંનો સ્થાનિક તહેવાર) જેવા તહેવારો પર રજાઓ નહીં હોય. 2023 ના કેલેન્ડરમાં, તીજ માટે બે દિવસ અને જ્યુતિયા માટે એક દિવસની રજા આપવામાં આવી હતી. નવા કેલેન્ડરમાં આ રજાઓ રદ કરવામાં આવી છે.
ઉલટાનું હવે રાજ્યમાં ઈદની 3 દિવસની રજા રહેશે. ઈદ માટે 18, 19 અને 20 જૂને શાળાઓ બંધ રહેશે. હવે તેને આધાર બનાવીને ભાજપે નીતીશ સરકાર સામે મોરચો ખોલ્યો છે. ભાજપના પ્રવક્તા ડૉ.અજય આલોકે કહ્યું છે કે નીતીશ કુમારે બિહારને ઈસ્લામિક રાજ્ય જાહેર કરવું જોઈએ. નીતીશ સરકાર પર તુષ્ટિકરણનો આરોપ લગાવતા તેમણે કહ્યું હતું કે આ શાળા રજાના કેલેન્ડરમાં જોવા મળે છે કે હિન્દુ તહેવારોની રજાઓ રદ કરવામાં આવી હતી અને ઈદ પર ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી છે.
ડૉ. અજય આલોકે આરોપ લગાવ્યો હતો કે નીતીશ સરકારે પહેલાથી જ દુર્ગા પૂજાની રજાઓમાં કાપ મૂક્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે નીતીશ કુમાર બિહારને ઈસ્લામિક રાજ્ય જાહેર કરે તો સારું રહેશે. તે જ સમયે, કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે પણ X (અગાઉના ટ્વિટર) પર પોસ્ટ કરીને નીતીશ કુમારની આગેવાની હેઠળની બિહાર સરકારને ઘેરી છે. ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ગિરિરાજે રાજ્યને ઈસ્લામિક રિપબ્લિક ઑફ બિહાર ગણાવ્યું છે અને કહ્યું છે કે નીતીશ અને લાલુની સરકારે મુસ્લિમ તહેવારોની રજાઓ વધારી દીધી છે અને રક્ષાબંધન અને શિવરાત્રિની રજા બંધ કરી દીધી છે.
ભાજપના રાજ્યસભા સાંસદ અને નીતીશ કુમારની આગેવાની હેઠળની એનડીએ સરકારમાં પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ મોદીએ પણ X પર પોસ્ટ કરીને નીતીશ સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે બિહાર સરકારે ફરી એકવાર જન્માષ્ટમી, રક્ષાબંધન અને શિવરાત્રીની રજાઓ રદ કરી છે. સુશીલ મોદીએ આરોપ લગાવ્યો હતો કે નીતીશ કુમાર હિંદુઓને જાતિઓમાં વહેંચીને અને લઘુમતીઓનું તુષ્ટિકરણ કરીને વોટ બેંકની રાજનીતિમાં વ્યસ્ત છે.