Bihar floor test: બિહારમાં ફ્લોર ટેસ્ટ પહેલા નીતિશ કુમાર આજે વડા પ્રધાન મોદીને મળશે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા | મુંબઈ સમાચાર

Bihar floor test: બિહારમાં ફ્લોર ટેસ્ટ પહેલા નીતિશ કુમાર આજે વડા પ્રધાન મોદીને મળશે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

નવી દિલ્હી: પક્ષ પલટો કરીને નવમી વખત બિહારના મુખ્ય પ્રધાન તરીકે સપથ લીધા બાદ નીતિશ કુમાર આજે પહેલી વાર દિલ્હીની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરશે. નીતિશ કુમારે 12મી ફેબ્રુઆરીએ વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની છે, જેને ધ્યાનમાં રાખીને આજની મુલાકાત મહત્વની સાબિત થશે.

અહેવાલો મુજબ ભાજપ નેતાઓ સાથેની બેઠક દરમિયાન નીતિશ કુમાર કેબિનેટની રચના અંગે ચર્ચા કરશે. અગાઉ તેઓ સપ્ટેમ્બરમાં G20 સમિટ દરમિયાન દિલ્હી આવ્યા હતા, તે સમયે બિહારમાં મહાગઠબંધનની સરકાર હતી. બિહારના નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહાએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.


JDUના જણાવ્યા અનુસાર નીતિશની બીજેપીના ટોચના નેતાઓ સાથેની બેઠક દરમિયાન રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણીને લગતા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે. બિહારમાં રાજ્યસભાની છ બેઠકો ખાલી પડી રહી છે, જેના માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે. આ છ બેઠકોમાંથી બે હાલમાં જેડીયુ પાસે છે, જ્યારે બે આરજેડીના ખાતામાં છે. જેડીયુના ભૂતપૂર્વ પ્રમુખ બશિષ્ઠ નારાયણ સિંહ અને વરિષ્ઠ નેતા અનિલ હેગડે રાજ્યસભાના સભ્ય છે, જ્યારે આરજેડીની બે બેઠકો મનોજ કુમાર ઝા અને મીસા ભારતી પાસે છે.


એક બેઠક ભાજપના સુશીલ કુમાર મોદી પાસે છે, જેઓ ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન છે, અને એક બેઠક કોંગ્રેસ પાસે છે, જે પાર્ટીના રાજ્ય એકમના પ્રમુખ અખિલેશ પ્રસાદ સિંહ પાસે છે. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ 2 એપ્રિલે સમાપ્ત થઈ રહ્યો છે.

નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે સોમવારે કહ્યું હતું કે તેમની પાર્ટી બિહારના હિતમાં નીતીશ કુમારને રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)માં સામેલ કરે છે.

Back to top button