બિહાર ચૂંટણીઃ મહાગઠબંધનોમાં સીટ-શેરિંગનું કોકડું ગૂંચવાયું, જાણો પેચ ક્યાં ફસાયા?

બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાતને હવે બહુ સમય બાકી રહ્યો નથી, પરંતુ મહાગઠબંધનમાં સીટ-શેરિંગનો મુદ્દો હજુ સુધી ગૂંચવાયેલુ છે. ભાજપના નેતૃત્વ હેઠળનું NDA હોય કે કોંગ્રેસની આગેવાની હેઠળના ઇન્ડિ ગઠબંધન પણ આ બંને મહાગઠબંધનો આ બાબતે સમદુખિયા જોવા મળી રહ્યા છે. NDAમાં નાના સાથી પક્ષો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે, જ્યારે મહાગઠબંધનમાં ‘વોટર અધિકાર યાત્રા’ બાદ RJD અને કોંગ્રેસ પોતપોતાની રીતે રાજકીય તાકાત દર્શાવવા મેદાનમાં ઉતરી રહ્યા છે. NDAમાં હજુ સુધી સીટ-શેરિંગ પર બેઠકોનો દોર શરૂ થયો નથી, જ્યારે મહાગઠબંધનમાં બેઠક થઈ રહી છે, પણ કોઈ ફોર્મ્યુલા બહાર આવી રહી નથી.
NDAમાં ક્યાં અટવાયું છે ચક્ર?
સૌથી પહેલા વાત NDA ગઠબંધનની. NDA તરફથી મુખ્ય પ્રધાન પદનો ચહેરો નીતીશ કુમાર જ રહેશે, તે સ્પષ્ટ છે. ચૂંટણીની તૈયારીઓ માટે NDAના કાર્યકર્તા સંમેલનો પણ ચાલી રહ્યા છે. NDA માટે સૌથી સારી વાત એ છે કે ચૂંટણીનું બ્યુગલ વાગે તે પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિવિધ કાર્યક્રમોથી ભાજપ અને તેના સહયોગી પક્ષોના કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભરાઈ રહ્યો છે. પરંતુ, સીટ-શેરિંગની વાત કરીએ તો હજુ સુધી સાથી પક્ષો વચ્ચે બેઠકો શરૂ થઈ નથી.
રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા અનુસાર ભાજપ અને JDU લગભગ સરખી સીટો પર ચૂંટણી લડી શકે છે. એવી પણ ચર્ચા છે કે આ બંને મોટા પક્ષો 100થી વધુ બેઠકો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારશે. NDAના અન્ય સહયોગી પક્ષો જેવા કે ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ), જીતન રામ માંઝીની હિન્દુસ્તાની આવામ મોર્ચા (HAM) અને ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક મોર્ચાને પણ તેમની તાકાત મુજબ સીટ ફાળવવાની શક્યતા છે.
ચિરાગ પાસવાન અને માંઝીની માંગ
ચિરાગ પાસવાનની પાર્ટીએ શરૂઆતમાં 40 સીટોની માંગણી કરી હતી. તેઓ ઓછામાં ઓછી એટલી સીટો તો ઈચ્છે છે કે તેમનું સરેરાશ સ્ટ્રાઈક રેટ પણ સારો રહે અને બિહારના રાજનીતિમાં તેમનું મહત્ત્વ જળવાઈ રહે. જોકે, ચર્ચા મુજબ ચિરાગ પાસવાનની પાર્ટીને 20ની આસપાસ સીટ મળી શકે છે. આટલી સીટ માટે તેમને રાજી કરવા માટે ભાજપ કોઈ અન્ય ઓફર પણ આપી શકે છે.
તો 100 સીટ પર ઉમેદવાર ઊભા રાખશે
NDAમાં શરૂ થયેલી આ પ્રેશર પોલિટિક્સનો જ એક ભાગ છે કે હવે જીતન રામ માંઝીએ પણ તેમની પાર્ટી માટે 15થી 20 સીટની માંગણી મીડિયા મારફતે રજૂ કરી છે. માંઝીનો તર્ક છે કે તેમની પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મેળવવા માટે જરૂરી મત ટકાવારી મળી છે. તેમણે તો ત્યાં સુધી કહી દીધું છે કે જો ધાર્યા મુજબ સીટો નહીં મળે તો તેમની પાર્ટી ઓછામાં ઓછી 100 સીટ પર ઉમેદવાર ઊભા રાખશે. હાલ JDU અને ભાજપ બંને ચિરાગ પાસવાન અને જીતન રામ માંઝીના નિવેદનો પર મૌન છે. બંને મોટા પક્ષોના નેતાઓ કહી રહ્યા છે કે સીટ-શેરિંગને લઈને કોઈ મતભેદ નથી અને નિર્ણય સરળતાથી થઈ જશે. જોકે, પડદા પાછળ સાથી પક્ષોના દાવા અને તેમને મનાવવા માટે વાતચીતનો દોર ચાલુ છે.
ઇન્ડિ ગઠબંધનમાં કેટલી એકતા?
ઇન્ડિ ગઠબંધનમાં પણ સીટ-શેરિંગની વાતચીત કઈ ઓછી ગૂંચવાડાભરી નથી. રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે ‘વોટર અધિકાર યાત્રા’ ભલે સાથે મળીને કરી હોય, પરંતુ સીટ-શેરિંગના મુદ્દે તેમની ગાડી પાટા પર જ અટકી પડી છે. મહાગઠબંધને શરૂઆતમાં એકતા દેખાડી હતી અને કોર્ડિનેશન કમિટી જેવી સમિતિઓનું ગઠન પણ કર્યું હતું. બિહારના વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવને કોર્ડિનેશન કમિટીના પ્રમુખ બનાવવામાં આવ્યા, પરંતુ કોંગ્રેસ તેમને મુખ્ય પ્રધાનના ઉમેદવાર તરીકે લીલી ઝંડી આપી રહી નથી.
‘વોટર અધિકાર યાત્રા’ દરમિયાન તેજસ્વીએ આગામી સમયે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા માટે સંપૂર્ણ સમર્થન આપવાનું જાહેર કર્યું. જોકે, જ્યારે રાહુલને તેજસ્વીના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ સવાલ ટાળી ગયા. કોંગ્રેસના નેતાઓ પણ આ સવાલ પર સ્પષ્ટ જવાબ આપવાનું ટાળી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કેમુખ્ય પ્રધાન પદનો ઉમેદવાર કોણ હશે તે જનતા નક્કી કરશે અને તેમનું સંપૂર્ણ ધ્યાન ચૂંટણી જીતવા પર છે. સ્પષ્ટ છે કે સીટ-શેરિંગનો અંતિમ નિર્ણય થયા વિના કોંગ્રેસ તેજસ્વીના નામની જાહેરાત કરવા દેવા માંગતી નથી. કોંગ્રેસના આ વલણ પાછળ રાજકીય કારણો હોઈ શકે છે.
તેજસ્વીની પાર્ટી પહેલાં કરતાં ઓછી સીટ પર લડશે
છેલ્લા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 70 સીટ પર ઉમેદવાર ઊભા રાખ્યા હતા. પાંચ વર્ષ બાદ ઇન્ડી ગઠબંધનનું ચિત્ર બદલાઈ ગયું છે. મુકેશ સહનીની VIP, પશુપતિ પારસની RLJP અને હેમંત સોરેનની JMMને પણ સીટો આપવી પડશે. આ કારણે RJDની સાથે-સાથે કોંગ્રેસને પણ પોતાની સીટો ઓછી કરવી પડી શકે છે. તેજસ્વી યાદવે ખૂદ સ્વીકાર્યું છે કે તેમની પાર્ટી પહેલાં કરતાં ઓછી સીટ પર ચૂંટણી લડશે, કારણ કે નવા સાથી પક્ષોને પણ સમાવી લેવાના છે. કોંગ્રેસ આ વાત સમજી રહી છે, પરંતુ સીટોની સંખ્યા ઓછી થવાની વાત આવતા જ તે દાવપેચમાં ઉતરી રહી છે. જાણકારોનું કહેવું છે કે કોંગ્રેસ 60થી ઓછી સીટો પર તૈયાર નથી.
કોંગ્રેસની શું છે રણનીતિ?
કોંગ્રેસે શરત મૂકી છે કે NDAની મજબૂત સીટોની વહેંચણી તમામ સહયોગી પક્ષો વચ્ચે થવી જોઈએ. છેલ્લા વિધાનસભા ચૂંટણીમાં ઇન્ડિ ગઠબંધનમાં 70 સીટો પર લડેલી કોંગ્રેસનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ત્યારે RJDના વરિષ્ઠ નેતાઓએ તો એવું પણ કહ્યું હતું કે કોંગ્રેસે પોતાની ક્ષમતા કરતાં વધારે સીટો લીધી. જોકે, કોંગ્રેસના નેતાઓ આ વાતથી સહમત નથી. તેમનો તર્ક છે કે 70માંથી 22 એવી સીટો તેમને આપવામાં આવી હતી, જ્યાં છેલ્લા ત્રણ ચૂંટણીથી NDA જ જીતી રહ્યું હતું.
તેજસ્વી પોતાને અસલી અને નીતિશ ‘ડુપ્લિકેટ’ સીએમ ગણે છે
આ વખતે કોંગ્રેસ માત્ર શહેરી સીટો પર જ નહીં, પરંતુ ગ્રામીણ સીટો પર પણ ધ્યાન આપી રહી છે. તેજસ્વી યાદવ સમજી રહ્યા છે કે 2025ની ચૂંટણી તેમના માટે કેટલી મહત્ત્વપૂર્ણ છે. કોંગ્રેસે ભલે તેમના નામ પર મહોર ન મારી હોય, પરંતુ તેજસ્વી હવે નીતિશ કુમારને ‘ડુપ્લિકેટ’ અને પોતાને ‘ઓરિજિનલ’ મુખ્ય પ્રધાન ગણાવી રહ્યા છે. ડાબેરી પક્ષોને પણ તેજસ્વીના નામ સામે કોઈ વાંધો નથી. મુકેશ સહની પણ તેજસ્વીને મુખ્ય પ્રધાનના ઉમેદવાર બનાવવાની તરફેણમાં છે, પરંતુ સીટ-શેરિંગના ગૂંચવાડાને કારણે સત્તાવાર જાહેરાત અટકી પડી છે
બિહારમાં ‘મોટા ભાઈ’ની ભૂમિકા RJD છે
તેજસ્વી એક દિવસમાં બે-બે જિલ્લામાં જનસભાનું આયોજન કરી રહ્યા છે. ‘વોટર અધિકાર યાત્રા’ દ્વારા કોંગ્રેસે ઇન્ડિ ગઠબંધનમાં પોતાની તાકાતનો અહેસાસ કરાવ્યો છે, ત્યારે હવે તેજસ્વી ‘બિહાર અધિકાર યાત્રા’ દ્વારા એવો સંદેશ આપવા માંગે છે કે બિહારમાં ‘મોટા ભાઈ’ની ભૂમિકા RJDની છે અને સૌથી મોટો જનાદેશ પણ તેમની પાસે છે. જોકે, રાહુલ ગાંધીની બિહાર મુલાકાત બાદ કોંગ્રેસનો ઉત્સાહ પણ ચરમસીમા પર છે. કોંગ્રેસે હવે ‘હર ઘર અધિકાર’ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે, જેનો હેતુ મહિલા મતદારોને આકર્ષવાનો છે. આ અભિયાન હેઠળ, કોંગ્રેસ દરેક વિધાનસભા ક્ષેત્રમાંથી ‘માઈ-બહેન સન્માન યોજના’ માટે 50 હજાર અરજીઓ એકત્ર કરશે. આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને 2,500 રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો…બિહાર વિધાનસભા ચૂંટણી અંગે દિલ્હીમાં ચર્ચાનો દોર શરૂ! અમિત શાહના નિવાસસ્થાને યોજાઈ બેઠક