
પટણા: બિહાર વિધાનસભાની ચૂંટણી ટાંકણે જ, મોકામાના ચર્ચાસ્પદ દુલારચંદ યાદવ હત્યાકાંડમાં પટણા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બાહુબલી નેતા અને પૂર્વ ધારાસભ્ય અનંત સિંહની ધરપકડ કરી છે. પટણાના એસએસપીની વિશેષ ટીમે આ ધરપકડ કરી છે અને તેમને પટણા લઈ જવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જોકે, ચૂંટણી પ્રચારના માહોલમાં વિસ્તારમાં આક્રોશ ફાટી નીકળવાની આશંકાના પગલે પોલીસ અને મેજિસ્ટ્રેટે દિવસભર આ કાર્યવાહી પર મૌન સેવ્યું હતું. અનંત સિંહની ધરપકડની સત્તાવાર પુષ્ટિ અને તેમને પટણા લઈ જવાની કાર્યવાહી મોડી રાત્રે કરવામાં આવી હતી.
આ સમગ્ર મામલો મોકામામાં જનસુરાજ પાર્ટીના ઉમેદવાર પીયૂષ પ્રિયદર્શીના સમર્થનમાં ચાલી રહેલા પ્રચાર દરમિયાન થયેલી અથડામણ સાથે સંકળાયેલો છે. આ ઝઘડામાં ૭૫ વર્ષીય દુલારચંદ યાદવની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા માટે મોકામાના બાહુબલી ધારાસભ્ય અનંત સિંહના સમર્થકો પર આરોપો લાગ્યા હતા.

પટણાના એસએસપી કાર્તિકેય કે શર્માએ જણાવ્યું કે, ૩૦ ઓક્ટોબરે પ્રતિસ્પર્ધી ઉમેદવારોના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી અને પથ્થરમારો થયો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ દુલારચંદ યાદવ (ઉંમર ૭૫ વર્ષ)નો મૃતદેહ મળી આવ્યો હતો.
એસએસપીએ વધુમાં જણાવ્યું કે, પુરાવાઓ, પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો અને મૃતકની પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે તપાસ કરતાં જણાયું કે આ ઘટના આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે અને ગંભીર મામલો છે. પોલીસને જાણવા મળ્યું કે આ સમગ્ર ઘટના ઉમેદવાર અનંત સિંહની હાજરીમાં બની હતી, અને તેઓ આ કેસમાં મુખ્ય આરોપી છે.
આથી, અનંત સિંહની ધરપકડ કરવામાં આવી છે. તેમની સાથે તેમના બે સાથીઓ, મણિકાંત ઠાકુર અને રણજીત રામની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને યોગ્ય તપાસ હાથ ધરવામાં આવશે.



