બિહાર વિધાનસભા ચૂંટણી પૂર્વે સીએમ નીતીશ કુમારે યુવાનોને રીઝવવા કરી આ મોટી જાહેરાત

પટના: બિહાર વિધાનસભા ચૂંટણી પૂર્વે સીએમ નીતીશ કુમારે મોટી જાહેરાત કરી છે. નીતિશ કુમારે યુવા વોટબેંકને ધ્યાનમાં રાખીને રોજગારલક્ષી જાહેરાત કરી છે. નીતિશ કુમારે X પર એક પોસ્ટ પણ શેર કરી છે. જેમાં આગામી પાંચ વર્ષમાં એક કરોડ યુવાનોને સરકારી નોકરીઓ અને રોજગાર આપશે. જે વર્ષ 2020 -25ના લક્ષ્યાંકને બમણું કરશે. આ માટે ખાસ કરીને ઔદ્યોગિક ક્ષેત્રોમાં પણ નવી નોકરીઓ અને રોજગારની તકો ઉભી કરવામાં આવશે. આ અંગે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી રહી છે.
કુલ 50 લાખ રોજગાર આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું
નીતિશ કુમારે પોસ્ટમાં લખ્યું છે કે, શરૂઆતથી જ અમારો વિચાર રહ્યો છે કે રાજ્યમાં મહત્તમ યુવાનોને સરકારી નોકરીઓ અને રોજગાર મળે. વર્ષ 2005 થી 2020 દરમિયાન રાજ્યમાં 8 લાખથી વધુ યુવાનોને સરકારી નોકરીઓ આપવામાં આવી હતી. રાજ્યના યુવાનોને સરકારી નોકરીઓ અને રોજગાર આપવાની ગતિને વધુ વધારવા માટે વર્ષ 2020 માં અમે સુશાસન કાર્યક્રમ સાત નિશ્ચય-2 માં 10 લાખ યુવાનોને સરકારી નોકરીઓ અને 10 લાખ લોકોને રોજગાર આપવાનું વચન આપ્યું હતું. જયારે ઓગસ્ટ 2025 સુધીમાં 12 લાખ યુવાનોને સરકારી નોકરીઓ અને 38 લાખ લોકોને રોજગાર આપવાના લક્ષ્ય સુધી વધારીને કુલ 50 લાખ રોજગાર આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: નીતીશ કુમારે ભાજપના પૂર્વ સાંસદના ચરણ સ્પર્શ કરી લીધા આશીર્વાદ, જૂઓ Video
નીતિશ કુમારે આગળ જણાવ્યું કે, મને જણાવતા આનંદ થાય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 10 લાખ યુવાનોને સરકારી નોકરીઓ આપવામાં આવી છે. લગભગ 39 લાખ લોકોને રોજગાર આપવામાં આવ્યો છે અને 50 લાખથી વધુ યુવાનોને સરકારી રોજગાર આપવાનું લક્ષ્ય ચોક્કસપણે પ્રાપ્ત થશે.