નેશનલ

ઇમરાન ખાનનું ઉદાહરણ આપી પ્રશાંત કિશોરે કહ્યું – ‘હવે પાછળ હટવાનો સવાલ નથી, મજબૂત થઈને પાછા આવીશું!’

હારની સંપૂર્ણ જવાબદારી પણ રાજકારણ નહીં છોડુંઃ પીકેનો યૂ-ટર્ન

પટણા: બિહારમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જનસુરાજ પાર્ટીની કારમી હાર બાદ પાર્ટીનાં સંસ્થાપક પ્રશાંત કિશોર પહેલી વખત મીડિયા સામે આવ્યા અને હારની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પ્રયાસ ઈમાનદારીથી કરવામાં આવ્યો હતો, પરંતુ પરિણામો અપેક્ષા મુજબના આવ્યા નથી અને તેની ૧૦૦ ટકા જવાબદારી મારી છે.” હારના આ આઘાતને સ્વીકારતા પ્રશાંત કિશોર પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનનું ઉદાહરણ આપ્યું હતું, જેમણે શરૂઆતમાં સાતેય બેઠક પર હાર મેળવી હતી.

પ્રશાંત કિશોરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ “આકરો ઝટકો” જરૂર છે, પરંતુ તેઓ ભૂલો સુધારીને મજબૂત થઈને પાછા ફરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રાજકારણમાંથી પાછળ હટવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી, અને હવે “સલાહનો સમય સમાપ્ત થઈ ગયો છે, સંઘર્ષનો સમય શરૂ થયો છે. નીતિશ કુમારને પડકારનારા અને 25થી વધુ સીટ મળે તો રાજકારણમાંથી સંન્યાસ લેવાનો દાવો કર્યા પછી પણ હવે પ્રશાંત કિશોરે ફેરવી તોળ્યું છે અને કહ્યું છે હારની જવાબદારી મારી પણ રાજકારણ નહીં છોડું.

પ્રશાંત કિશોરે નિખાલસતાથી કબૂલ્યું કે તેઓ બિહારના રાજકારણને સંપૂર્ણપણે સમજી શક્યા નથી, અને તેમને એ પણ સમજાયું નહીં કે લાલુ યાદવ અને સમ્રાટ ચૌધરીએ કેવી રીતે રાજ્યને ધર્મ અને જાતિના આધારે વિભાજિત કરી દીધું. તેમણે રાજ્યને સુધારવાનો પ્રયાસ કર્યો હોવા છતાં લોકો તેમને ગુનેગારની જેમ જોતા હોવાની ફરિયાદ પણ કરી. હાર બાદ જનસુરાજના તમામ સાથીઓને “પ્રાયશ્ચિતના ઉપવાસ” પર જવાનું આહ્વાન કરતાં પીકેએ કહ્યું કે, આ હાર એ દર્શાવે છે કે તેમના પ્રયાસો પૂરતા નહોતા.

જોકે, પ્રશાંત કિશોરે સત્તામાં આવેલી એનડીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે આ ચૂંટણીમાં બિહારના રાજકારણમાં “સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત” એક એવો વળાંક આવ્યો, જ્યાં ચૂંટણી દરમિયાન જનતા સુધી લગભગ ૪૦,૦૦૦ કરોડ રૂપિયાની યોજનાઓ પહોંચાડવામાં આવી હતી.

તેમણે ગંભીર આરોપ મૂક્યો કે લગભગ ૨૯,૦૦૦ કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં જીવિકા જૂથોની મહિલાઓ, આશા-આંગણવાડી કાર્યકરો અને પ્રવાસી મજૂરોને ચૂંટણીના સમયે સીધા પૈસા આપવામાં આવ્યા. તેમણે આને સરકારી યોજના કરતાં “વોટ ખરીદવાની રીત” ગણાવી, અને આરોપ લગાવ્યો કે દરેક લાભાર્થીને કહેવામાં આવ્યું કે ૧૦,૦૦૦ રૂપિયા પ્રથમ હપ્તો છે અને બાકીના ૨ લાખ રૂપિયા છ મહિનામાં મળશે.

અંતમાં, પ્રશાંત કિશોરે કહ્યું કે જનતાએ એનડીએને જનાદેશ આપ્યો છે, તેથી વડા પ્રધાન મોદી અને મુખ્ય પ્રધાન નીતિશ કુમારની જવાબદારી છે કે તેઓ ચૂંટણીમાં કરેલા વાયદાઓ પૂરા કરે. તેમણે રાજકારણ છોડવાના પોતાના અગાઉના દાવાને ફરી દોહરાવ્યો અને કહ્યું કે જો નીતિશ સરકાર ચૂંટણી પહેલાના વચન મુજબ તમામ દોઢ કરોડ લોકોને બે-બે લાખ રૂપિયા આપે તો તેઓ ચોક્કસપણે રાજકારણ છોડી દેશે. તેમણે પોતાનો સંપર્ક નંબર પણ જાહેર કર્યો અને કહ્યું કે જે લાભાર્થીઓને વચન મુજબના પૈસા નથી મળતા તેઓ જનસુરાજ સાથે જોડાય, તેમની લડાઈ જનસુરાજ લડશે.

આ પણ વાંચો…ચૂંટણી જીતવા NDA એ વર્લ્ડ બેંકનું ફંડ ડાયવર્ટ કર્યું! પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીનો આરોપ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button