
પટણા: બિહારમાં સત્તાધારી NDA શાસન વિરુદ્ધ આક્રમક પ્રચારથી મહાગઠબંધને જે ગતિ પ્રાપ્ત કરી હતી, તે છેલ્લા બે અઠવાડિયામાં સીટ-વહેંચણી પર થયેલા ઝઘડાઓને કારણે જોખમમાં મુકાઈ ગઈ છે. ગઠબંધનના ટોચના નેતાઓ ગેરસમજણો દૂર કરવા માટે છેલ્લી ઘડીના પ્રયાસો કરી રહ્યા છે, જેથી તેમની એકતા જળવાઈ રહે.
આજે અશોક ગેહલોતની લાલુ-તેજસ્વી સાથે મુલાકાત
ગઠબંધનમાં ચાલી રહેલા મડાગાંઠને દૂર કરવા માટે વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોત આજે પટણામાં RJDના લાલુ યાદવ અને તેજસ્વી યાદવ તેમજ ડાબેરી પક્ષોના નેતાઓને મળશે. આ બેઠક પછી બીજા દિવસે સંયુક્ત પત્રકાર પરિષદ યોજાય તેવી શક્યતા છે, જેમાં ગઠબંધનની “એકતાનો શો” રજૂ કરવામાં આવશે.બુધવાર સવાર સુધીમાં, રાજ્યભરની ઓછામાં ઓછી 14 બેઠકો એવી છે જ્યાં મહાગઠબંધનના પક્ષોના ઉમેદવારો એકબીજા સામે ચૂંટણી લડી રહ્યા છે.
પ્રથમ તબક્કાનું 6 નવેમ્બરે મતદાન
છવારા, બેલદૌર, બિહાર શરીફ, વૈશાલી, રાજાપાકર અને ગૌરા બૌરામ સહિત છ બેઠકો પર ઉમેદવારી પાછી ખેંચવાની સમયમર્યાદા પૂરી થઈ ચૂકી છે. આ બેઠકો પર હવે માત્ર એક જ વિકલ્પ છે કે પક્ષો પોતાના ઉમેદવારોને બીજા ઉમેદવારના સમર્થનમાં બેસી જવા માટે સમજાવે. ગૌરા બૌરામ બેઠક પર RJDએ છેલ્લી ઘડીએ VIPના સંતોષ સહાનીને ગઠબંધનના ઉમેદવાર જાહેર કરીને પહેલ કરી છે, જ્યારે તેના પોતાના ઉમેદવાર અફઝલ અલી ઉમેદવારી પાછી ખેંચી શક્યા નહોતા.વૈશાલીમાં કોંગ્રેસ અને RJD ના ઉમેદવારો સામસામે છે, જ્યારે રાજાપાકર, બછવારા, બિહાર શરીફમાં કોંગ્રેસ અને CPI ના ઉમેદવારો સામસામે છે.
બીજ તબક્કાના મતદાન માટે કહલગાંવ, સિકંદરા, સુલતાનગંજ, નરકટિયાગંજ, ચૈનપુર, બાબુબરહી, કરગહર અને વરસાલિગંજ સહિત બાકીની આઠ બેઠકો પર ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 23 ઓક્ટોબર છે. આથી, ગઠબંધન પાસે વિવાદ ઉકેલીને ઉમેદવારો પાછા ખેંચાવવા માટે 24 કલાકથી ઓછો સમય બાકી છે.
મહાગઠબંધનના પતન જેવા સંજોગોમાં કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ RJD પ્રમુખ લાલુ યાદવનો સંપર્ક સાધ્યો હતો અને વાટાઘાટો શરૂ કરવા વિનંતી કરી હતી. જોકે, બિહાર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં રાહુલ ગાંધીની રાજ્યમાંથી ગેરહાજરીને લઈને નારાજગી છે. બિહાર કોંગ્રેસના ઘણા નેતાઓ ખુલ્લેઆમ રાહુલ ગાંધી પર દોષારોપણ કરી રહ્યા છે કે, તેમની ‘વોટર અધિકાર યાત્રા’એ ગઠબંધનને પ્રોત્સાહન આપ્યું હોવા છતાં, જ્યારે સૌથી વધુ જરૂર હતી ત્યારે તેઓ સીટ-વહેંચણીની મડાગાંઠ ઉકેલવા માટે હાજર રહ્યા નહોતા.
ગેહલોત પર આશા
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ હાઈકમાન્ડે હવે બિહાર કોંગ્રેસના પ્રભારી કૃષ્ણા અલ્લારવુ પર આધાર રાખવાને બદલે અશોક ગેહલોત જેવા અનુભવી નેતાને મોકલીને પરિસ્થિતિ સુધારવાનો નિર્ણય લીધો છે.જો વાટાઘાટો સફળ થશે, તો કોંગ્રેસ આખરે તેજસ્વી યાદવને ગઠબંધનના મુખ્ય પ્રધાન પદના ચહેરા તરીકે ઔપચારિક રીતે જાહેર કરી શકે છે, જે RJDની મુખ્ય માંગ રહી છે. જોકે, CPI-MLLના એક ઉમેદવારે ચિંતા વ્યક્ત કરી હતી કે, “અમે નિર્ણાયક સમય ગુમાવી દીધો છે અને ચૂંટણી પહેલા અમારા ગઠબંધનમાં આંતરિક ઝઘડા વિશે લોકોની છાપને ઉલટાવવું સરળ રહેશે નહીં.”
આ પણ વાંચો…બિહારમાં ચૂંટણી પૂર્વે ૭૧ કરોડથી વધુની રોકડ, દારૂ જપ્ત