કાળજું કંપાવી દે તેવી ઘટના બની બિહારમાં, ગામમાં હજુ તણાવભર્યો છે માહોલ
બિહારઃ અમુક ઘટનાઓ મનને એકવાર વિચાર કરતું કરી મૂકે તેવી હોય છે. તાજેતરમાં બેંગલોરની એક માતાએ પોતાના દીકરાની બેંગલોરમાં કથિત હત્યા કરી હોવાના કિસ્સાએ સૌને ચોંકાવી દીધા હતા ત્યારે બિહારમાં પણ આવી એક ઘટના બની છે. આ એક ઘટનાએ બે જણના જીવ લીધા છે અને આખા ગામમાં તણાવ ઊભો કરી દીધો છે. અહીંના રોહતાસ જિલ્લામાં પાડોશી સાથેના મતભેદમાં એક મહિલાએ ત્રણ વર્ષના માસૂમ બાળકની કથિત હત્યા કરી દીધી હતી. આ વાતની જાણ થતાં ગામના ટોળાએ મહિલાને માર મારી તેની હત્યા નિપજાવી દીધી હતી અને આખું ગામ તોફાની થતાં પોલીસ બંદોબસ્ત રાખવો પડ્યો હતો.
ગ્રામજનોનું કહેવું છે કે અગરેર પોલીસ સ્ટેશન વિસ્તારના આકાશી ગામમાં જગુ સિંહનો ત્રણ વર્ષનો પુત્ર શિવમ ઘર પાસે રમી રહ્યો હતો. ત્યારબાદ પાડોશી દશરથ સિંહની પત્ની ચિંતા દેવી માસૂમ શિવમને પોતાના ઘરે લઈ ગઈ હતી. ત્યારબાદ ઘરની અંદર બાળકનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આરોપ છે કે લાશને બોરીમાં ભરીને ઘરમાં રાખવામાં આવી હતી. દરમિયાન પરિવારના સભ્યોએ થોડીવાર થતાં બાળક ન મળતા શોધખોળ ચાલુ કરી જેમાં આસપાસના લોકો પણ જોડાયા હતા. બાળકની દરેક જગ્યાએ શોધખોળ કરવામાં આવી રહી હતી.
આસપાસના ઘરોમાં પણ સર્ચ શરૂ કરવામાં આવ્યું હતું. ઘરોમાં બાળકની શોધખોળ ચાલી રહી હતી. ત્યારબાદ ગ્રામજનો દશરથ સિંહના ઘરે પહોંચ્યા. પરંતુ કોઈ ઘરનો દરવાજો ખોલતા ન હતા. આ પછી ગ્રામજનો રોષે ભરાયા હતા. ગુસ્સે ભરાયેલું ટોળું આરોપીના ઘરનો દરવાજો તોડી ઘરમાં ઘુસી ગયું હતું . જોકે આ અરસમાં આરોપી મહિલાએ નિર્દોષ શિવમના મૃતદેહને બોરીમાં પેક કરીને ટેરેસ પરથી ફેંકી દીધો હોવાનું ગ્રામજનોના ધ્યાનમાં આવ્યું હતું.
આ પછી ગુસ્સે ભરાયેલા ટોળાએ મહિલાના ઘરને આગ લગાવી દીધી અને આરોપી મહિલા ચિંતા દેવીને માર માર્યો હતો, જેમાં મહિલાનું મોત નિપજ્યું હતું. ઘટના બાદ આ વિસ્તારમાં કલાકો સુધી પરિસ્થિતિ કાબૂ બહાર રહી હતી. આ દરમિયાન મૃતકના પરિવારજનો અંધારાનો લાભ લઈ ગામમાંથી ભાગી ગયા હતા. હાલ પોલીસે લાશને પોતાના કબજામાં લઈ સાસારામની સદર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવી બાળકનો મૃતદેહ પરિવારને સોંપ્યો છે. મહિલાના પરિવારજનો ઉપલબ્ધ ન હોવાથી મૃતદેહને શબઘરમાં રાખવામાં આવ્યો હોવાની માહિતી અહેવાલ દ્વાાર મળી હતી.