બિહારમાં કોર્ટ પરિસરમાં ધોળે દિવસે ગોળીબાર વિધાનસભ્યના ભાઇની હત્યાના આરોપીનું ઢીમ ઢાળ્યું
પટણાઃ ગુનાખોરીના રાજ્ય ગણાતા બિહારમાં કોર્ટ પરિસરમાં ગોળીબારની ઘટના બની છે, જેમાં ગુનેગારોએ દાનાપુર સિવિલ કોર્ટમાં એક કેદીની ગોળી મારીને હત્યા કરી હતી.
મળતી માબહિતી મુજબ કેદી બેઉર જેલમાંથી દાનાપુર કોર્ટમાં હાજર થવા આવ્યો હતો. તે સમયે ત્યાં પહેલેથી જ ગુનેગારો હાજર હતા. ગુનેગારોએ કેદીને પાછળથી ગોળીબાર કરીને ભુંજી નાખ્યો હતો. કેદીને છ ગોળી મારવામાં આવી હતી. ગોળી વાગતા જ કેદી જમીન પર પડી ગયો હતો. લોકો તેને હૉસ્પિટલ લઇ જાય તે પહેલા જ તેનું મૃત્યુ થયું હતું. કોર્ટ પરિસરની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે દિનદહાડે થયેલા ગોળીબારને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અને ઘટના સ્થળ પર લોકોની ભીડ એકઠી થઇ ગઇ હતી.
ગોળીબાર કરીને નાસી રહેલા બે ગુનેગારોને પોલીસે અને સ્થાનિક લોકોએ મળીને પકડી લીધા હતા. પોલીસે બંને યુવક પાસેથી ગોળીબારમાં વપરાયેલી પિસ્તોલ પણ કબજે કરી હતી. ઘટના સ્થળેથી બુલેટના ચાર શેલ મળી આવ્યા હતા. દાનાપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી.
મૃતક પણ કુખ્યાત ગુનેગાર જ હતો. મૃતકની ઓળખ છોટે સરકાર ઉર્ફે અભિષેક કુમાર તરીકે થઇ છે. તે માંડ 25 વર્ષનો હતો. તે સિકંદરપુર ખાતે રહેતો હતો. અભિષેક લગભગ દોઢેક વર્ષ પહેલા એક વિધાન સભ્યના ભાઇની હત્યાના આરોપમાં જેલના સળિયા પાછળ હતો. પટણાની આસપાસ ઘણા પોલીસ સ્ટેશનોમાં અભિષેક સામે કેસ નોંધાયેલા હતા. 3 જુલાઇ, 2022ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે જેલમાં જ બંધ હતો. શુક્રવારે તેને દાનાપુરના ADG 1 અને 3 સમક્ષ હાજર થવા માટે દાનાપુરની બિહેવિયરલ કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે ગુનેગારોએ તેના પર ધાંય., ધાંય .. ધાંય ફાયરિંગ કર્યું હતું, જેને કારણે તે ત્યાં જ પડી ગયો હતો અને ગુનેગારોને કરગરવા લાગ્યો હતો. બનાવ બાદ નાસી છૂટેલા ગુનેગારોને ઝડપી લેવામાં આવ્યા છે. આ મામલાની તપાસ ચાલુ કરવામાં આવી છે.