અનામત મુદ્દે બિહારના મુખ્ય પ્રધાને આપ્યું સૌથી મોટું નિવેદન

પટણાઃ બિહાર સરકારે મંગળવારે વિધાનસભાના વિન્ટર સેશનમાં કાસ્ટ સર્વે સંબંધિત રિપોર્ટ રજૂ કર્યો હતો. બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે ગૃહમાં અનામત વધારવા મુદ્દે સૌથી મોટું નિવેદન આપ્યું હતું.
વિધાનસભાના ગૃહમાં અનામત વધારવાની માગણી કરતા નીતીશ કુમારે કહ્યું હતું કે પછાત અને સૌથી વધુ પછાત વર્ગના લોકો માટે અનામત વધારવી જોઈએ. ગૃહમાં તેનો પ્રસ્તાવ રજૂ કરતા કહ્યું હતું કે અનામત માટે પચાસના બદલે 65 ટકા કરવી જોઈએ. ઈડબલ્યુએસ (ઈકોનોમિક વીકર સેક્શનના 10 ટકા મળીને કુલ અનામત 75 ટકાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
જાતિ ગણતરીના સર્વે મુદ્દે સવાલ ઊભા કરવામાં આવ્યા પછી તેના અંગે પણ નીતીશ કુમારે જવાબ આપ્યા હતા. સીએમ નીતીશ કુમારે ગૃહમાં કહ્યું હતું કે અમુક જગ્યાએ સમાચાર જાણવા મળે છે કે જાતિની સંખ્યા વધી તો તેની જાતિની સંખ્યામાં વધારો થશે.
આ અગાઉ જાતિ આધારિત ગણતરી કરવામાં આવી નહોતી તો પછી તમે લોકો કઈ રીતે કહી શકો કે જાતિ આધારિત ગણતરી થઈ છે કે પછી સંખ્યામાં ઘટાડો થયો છે. આ બધી બોગસ વાતો છે. આ બધી વાતો કરવાનું બંધ કરવું જોઈએ.
દરમિયાન ગૃહમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના નેતા પ્રેમ કુમાર ઊભા થઈ ગયા તો તેમને બેસવાનું જણાવ્યું હતું. તેમને બેસવાનો ઈશારો કરીને કહ્યું હતું કે તમે અમારા મિત્ર છો તો પહેલા મારી વાત સાંભળી લો. એના પછી તમે બોલશો તો હું સાંભળીશ. અમે પણ તમારી ઈજ્જત કરીએ છીએ, પહેલા વાત સાંભળી લો.
નીતીશ કુમારે કહ્યું હતું કે રિપોર્ટ જ્યારે બનશે ત્યારે તમારી સમક્ષ મૂકીશું. અમે તો કેન્દ્ર સરકારને પહેલાથી કહ્યું હતું કે સર્વે કરાવી દો. હવે તો મોડું થઈ ગયું છે. 2020 અને 2021માં કાસ્ટ સર્વે થવાનું જરુરી હતું, પણ થયો નહોતો. દર દસ વર્ષે થવો જોઈએ, જેમાં આ વર્ષે શરુ કરવો જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.