બિહારના સીએમ નીતિશકુમાર વિવાદમાં સપડાયા, મહિલાનો હિજાબ હટાવવાનો વિડીયો વાઈરલ…

પટના : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. જેમાં નિમણૂક પત્ર વિતરણ સમારોહ દરમિયાન એક મુસ્લિમ મહિલા ડોક્ટરના ચહેરા પરથી હિજાબ હટાવવાનો વિડીયો વાઈરલ થયો છે. જેના પગલે વિપક્ષ આરજેડી અને કોંગ્રેસે પ્રહાર કર્યા છે. તેમજ મુખ્યમંત્રીના આ કૃત્ય બદલ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.
મુખ્યમંત્રીના વર્તન પર સવાલ ઉઠાવવામાં આવ્યા
આ વાઈરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે મુખ્યમંત્રી નીતિશ કુમાર એક મહિલા ડોક્ટર નુસરત પ્રવીણને નિમણૂક પત્ર આપતી વખતે તેમનો હિજાબ ઉતારતા જોવા મળે છે. આ વીડિયો આજે યોજાયેલા નિમણૂક પત્ર વિતરણ સમારોહનો હોવાનું કહેવાય છે. આરજેડીએ આ વીડિયોને તેના સત્તાવાર સોશિયલ મીડિયા પેજ પર શેર કર્યો છે. જેમાં મુખ્યમંત્રીના વર્તન પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
આરજેડી નેતા મૃત્યુંજય તિવારીએ નીતિશ કુમાર પર નિશાન સાધ્યું
આ વિવાદ બાદ આરજેડી નેતા મૃત્યુંજય તિવારીએ નીતિશ કુમાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી સતત મહિલાઓનું અપમાન કરી રહ્યા છે અને હવે બિહારમાં સત્તા સંભાળી શકે તેવી સ્થિતિમાં નથી. આરજેડીનો આરોપ છે કે બંધારણીય પદ સંભાળનાર વ્યક્તિ માટે આવું વર્તન અયોગ્ય છે.
વર્તન મહિલાઓના સન્માનની વિરુદ્ધ
આરજેડીના પ્રવક્તા એજાઝ અહેમદે પણ આ મુદ્દા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે પાર્ટી આ બાબતને ગંભીર માને છે. ફેસબુક પોસ્ટમાં આરજેડીએ લખ્યું કે નીતિશ કુમારની માનસિક સ્થિતિ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. પોસ્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ વર્તન મહિલાઓના સન્માનની વિરુદ્ધ છે.
આ પણ વાંચો…નીતિશકુમારને કોઇ ઝેરી પદાર્થ ખવડાવી રહ્યું છે: જીતનરામ માંઝી



