પટણાઃ હાલમાં બિહારની રાજધાની પટનાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બિહાર વિધાનસભા અને વિધાન પરિષદમાં મહિલા શિક્ષણના ફાયદા સમજાવતી વખતે મુખ્ય પ્રધાન નીતીશ કુમારે વસ્તી નિયંત્રણ પર આપેલા નિવેદન માટે વિધાનસભામાં માફી માંગી છે.
બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે મંગળવારે વિધાનસભામાં વસ્તી નિયંત્રણ માટે કન્યા શિક્ષણની જરૂરિયાત પર પ્રકાશ પાડતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ પછી, વિરોધ પક્ષોએ તેમના આ નિવેદન પર વાંધો ઉઠાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ સૌથી પહેલા સીએમ નીતીશને વિધાનસભા સંકુલમાં ઘેર્યા હતા.
તેમને ગૃહની અંદર જવા દેવામાં આવ્યા નહોતા અને તેમની આકરી ટીકા કરી હતી. આ પછી સીએમ નીતીશ કુમાર વિધાન પરિષદ મારફતે ગૃહમાં ગયા હતા. ભાજપે એવો પણ આરોપ લગાવ્યો છે કે આ નિવેદન મહિલાઓ માટે અપમાનજનક છે. આ નિવેદનની જોરદાર ટીકા થયા બાદ નીતીશ કુમારે હવે માફી માંગી લીધી છે.
આ દરમિયાન સીએમ નીતિશ કુમારે મીડિયા સામે પોતાના નિવેદન માટે માફી માંગી હતી. જોકે, એ અલગ વાત છે કે ભાજપના વિધાન સભ્યો સંમત નહોતા થયા અને તેમણે વિધાનસભામાં હંગામો શરૂ કર્યો હતો. વિપક્ષના નેતા વિજય કુમાર સિન્હા સીએમ નીતીશ કુમારના રાજીનામાની માંગ પર અડગ હતા.
નીતિશ કુમારે કહ્યું હતું કે , ‘મારા નિવેદનની ભારે ટીકા થઈ રહી છે. જો મેં કંઇક ખોટું કહ્યું હોય, તો હું માફી માંગુ છું. હું મારું નિવેદન પાછું ખેંચું છું. જેઓ મારી ટીકા કરે છે તેમને હું આવકારું છું.’
નીતીશ કુમારે મંગળવારે વિધાનસભામાં વસ્તી નિયંત્રણ માટે સ્ત્રી શિક્ષણની જરૂરિયાત પર પ્રકાશ પાડતી વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી મહિલા વિધાનસભ્યોને અપમાનજનક લાગી હતી, જ્યારે પુરૂષ વિધાનસભ્યો પણ તેમની આવી ટિપ્પણીથી રોષે ભરાયા હતા. તેમના વિવાદાસ્પદ નિવેદનની ભારે ટીકા થઇ હતી.નીતીશ કુમારે આ અશ્લીલ ટિપ્પણી રાજ્ય દ્વારા વિવિધ વિભાગોની નાણાકીય સ્થિતિની વિગતો આપતો જાતિ સર્વેક્ષણનો સંપૂર્ણ અહેવાલ જાહેર કર્યા પછી કરી હતી.