
નવી દિલ્હી: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન(CBI)એ ભ્રષ્ટાચારના કેસમાં બિહાર કેડરના નિવૃત IAS અધિકારી રમેશ અભિષેક સામે તપાસ શરુ કરી છે. મંગળવારે નિવૃત અધિકારી સામે એફઆઈઆર નોંધ્યા બાદ CBIએ તેમના પરિસરમાં સર્ચ કર્યું હતું. સર્વિસ દરમિયન તેમણે કેટલાક સોદામાં સક્રિય ભૂમિકા નીભાવી હતી, નિવૃત્તિ પછી એક ડઝનથી વધુ ખાનગી કંપનીઓ પાસેથી કન્સલ્ટન્સી ફી તરીકે કરોડો રૂપિયા લેવાનો તેમના પર આરોપ છે. તપાસ એજન્સીએ તેની દીકરી વેનેસા વિરુદ્ધ પણ કેસ નોંધ્યો છે. સીબીઆઈ, ઈડી અને લોકપાલ તેમની સામેના આરોપોની તપાસ કરી રહ્યા છે.
તપાસ એજન્સીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, IASની 1982 બેચના બિહાર કેડરના અધિકારી અભિષેક 2019માં DIPPTમાંથી નિવૃત્ત થયા હતા, ત્યારબાદ તેમણે એક ખાનગી કંપનીમાં સેવા આપી હતી. તેમના પર તેમની આવક કરતાં અપ્રમાણસર સંપત્તિ એકઠી કરવાનો આરોપ છે, અઢળક સંપતિની વિગતો તેમની પાસે પણ નથી. લોકપાલ અભિષેક સામે અપ્રમાણસર સંપત્તિના આરોપોની પણ તપાસ કરી રહ્યું છે.
CBI દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે, “સચિવ DIPPT અથવા ફોરવર્ડ માર્કેટ કમિશનના ચેરમેનના હોદ્દા પર રહીને, વિવિધ સંસ્થાઓ પાસેથી કન્સલ્ટન્સી અને પ્રોફેશનલ ફી તરીકે મોટી રકમ એકઠી કરી હતી.”
EDની ફરિયાદ અનુસાર, અભિષેકે લોકપાલ સમક્ષ એક સોગંદનામું દાખલ કર્યું હતું, જેમાં તેણે જણાવ્યું હતું કે નિવૃત્તિ પછીના 15 મહિનામાં તેને 2.7 કરોડ રૂપિયાની ફી મળી છે, જે તેના છેલ્લા સરકારી પગાર 2.26 લાખ રૂપિયા કરતાં 119 ગણી વધારે છે.
CBIના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “વિવિધ એજન્સીઓ દ્વારા અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે અભિષેકે ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રમોશન વિભાગમાં સચિવના પદ પર રહીને લગભગ 16 કંપનીઓને ફાયદો પહોંચાડ્યો હતો. એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે આ રકમથી તેણે સૌપ્રથમ દિલ્હીના પોશ ગ્રેટર કૈલાશ વિસ્તારમાં એક ઘર ખરીદ્યું હતું, જેનાથી તેના પર શંકા વધુ ઘેરી બની હતી.
એક રિપોર્ટ અનુસાર, સેક્રેટરી તરીકે સેવા આપતા રમેશ અભિષેકે કથિત રીતે Paytmની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશનને તેનો IPO લોન્ચ કરવામાં મદદ કરી હતી.