નેશનલ

ચૂંટણી જીત્યા બાદ BJPનો સફાઈ કૅમ્પૅઇન શરૂ! ત્રણ ‘બળવાખોર’ નેતાઓ પર તવાઈ

પટણા: બિહાર વિધાનસભાની ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની જોરદાર સુનામી જોવા મળી હતી, જેના પરિણામે રાષ્ટ્રીય જનતા દળ (RJD), કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના ગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

મહાગઠબંધન માત્ર 35 બેઠકો પર સમેટાઈ ગયું છે, જેમાં RJDના ફાળે માત્ર 25 બેઠકો આવી છે. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટી (BJP), જનતા દળ યુનાઇટેડ (JDU) અને લોક જનશક્તિ પાર્ટી-રામવિલાસના શાનદાર પ્રદર્શને NDAને 202 બેઠકો સાથે ભવ્ય વિજય અપાવ્યો છે.

બિહારમાં ભાજપની ભવ્ય જીત થઈ છે ત્યારે બિહાર ભાજપે પાર્ટીના ત્રણ દિગ્ગજ નેતાઓ સામે કાર્યવાહી કરી છે. ભાજપ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન આરકે સિંહ, વિધાનસભા પરિષદના સભ્ય અશોક કુમાર અગ્રવાલ અને કટિહારના મેયર ઉષા અગ્રવાલને “પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ” બદલ સસ્પેન્ડ કર્યા છે. પાર્ટીએ તેમને એક અઠવાડિયામાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે.

મળતી વિગતો અનુસાર, પાર્ટીના નિયમો અનુસાર, સસ્પેન્ડ કરવાની આખી પ્રક્રિયા ત્રણ તબક્કામાં પૂર્ણ થશે: પ્રથમ, સસ્પેન્શન, પછી કારણ બતાવો નોટિસ, અને અંતે, હકાલપટ્ટી. સંગઠનાત્મક શિસ્ત જાળવવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે.

થોડા દિવસો પહેલા જ અહેવાલો હતા કે નીતિશ કુમાર સરકાર પર અનેક ગંભીર આરોપો લગાવવા છતાં, ભાજપ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન આરકે સિંહ સામે કોઈ કાર્યવાહી કરશે નહીં. પરંતુ હવે, તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, “આર.કે. સિંહ સતત આક્રમક છે. એનડીએના શક્તિશાળી નેતાઓ વિરુદ્ધ પ્રશાંત કિશોરના આરોપોને તેમણે ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. તેમને લાગે છે કે ગત લોકસભા ચૂંટણીમાં રાજ્ય ભાજપના જ કેટલાક નેતાઓએ અંદરખાને પવન સિંહને સમર્થન આપીને તેમને ચૂંટણી હરાવી હતી.

બાદમાં તેમણે બિહારમાં દારૂબંધી સમાપ્ત કરવાની હિમાયત કરી અને 30 મેના રોજ રોહતાસમાં પીએમ મોદીની જાહેરસભાથી દૂર રહ્યા, પરંતુ ભાજપના નેતાઓ અનુસાર આર.કે. સિંહની જે પણ તાકાત છે તે ભાજપના સંગઠનને કારણે જ હતી.”

આ પણ વાંચો…NDAનો ‘ભવ્ય’ વિજય, પણ વોટ શેરમાં RJD ‘નંબર વન’: બિહારમાં RJDના વિજયનું ‘ગણિત’ ક્યાં ખોટું પડ્યું?

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button