ભાજપના નેતા નંદ કિશોર યાદવ બિહાર વિધાનસભાના સ્પીકર ચૂંટાયા
પટણાઃ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રધાન નંદ કિશોર યાદવને બિહાર વિધાનસભાના નવા સ્પીકર તરીકે સર્વસંમતિથી પસંદ કરવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાન નીતીશ કુમારને ગૃહના નેતા અને તેજસ્વી યાદવને વિરોધ પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટાયા બાદ નંદ કિશોર યાદવ જ્યારે ખુરશી તરફ જવા લાગ્યા ત્યારે મુખ્ય પ્રધાન નીતીશ કુમાર અને તેજસ્વી યાદવ તેમની ખુરશી પરથી ઉભા થઇ તેમનું સ્વાગત કરવા આગળ આવ્યા હતા. બંનેએ તેમને સીટ સુધી છોડ્યા હતા. આ દરમિયાન તેજસ્વીએ નંદ કિશોરના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ પણ લીધા હતા.
મુખ્ય પ્રધાન નીતીશ કુમારે તેમને અભિનંદન આપતાં કહ્યું હતું કે તેમની પાસે ઘણો અનુભવ છે. તેઓ અનેક વખત મંત્રી પદે રહી ચૂક્યા છે. ‘તમે ગૃહને સારી રીતે ચલાવશો.’ તેજસ્વી યાદવે પણ નંદ કિશોર યાદવને સ્પીકર તરીકે ચૂંટાવા પર અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, ‘તમારા માટે ગૃહના તમામ સભ્યો સમાન છે. અમને પૂરો વિશ્વાસ છે કે તમે નિષ્પક્ષતાથી ગૃહ ચલાવશો.’ આ પછી ગૃહની કાર્યવાહી 19 ફેબ્રુઆરી સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. પટના સાહિબ વિધાનસભા ક્ષેત્રમાંથી સાત વખતના વિધાનસભ્ય નંદ કિશોર યાદવે અવિશ્વાસ પ્રસ્તાવમાં તેમના પુરોગામી આરજેડીના અવધ બિહારી ચૌધરીની હારના એક દિવસ બાદ મંગળવારે પ્રમુખ પદ માટે નામાંકન દાખલ કર્યું હતું.
અવધ બિહારી ચૌધરીએ સ્પીકર પદ પરથી રાજીનામું આપ્યા બાદ જેડી (યુ)ના નેતા અને વિધાનસભાના ઉપાધ્યક્ષ મહેશ્વર હઝારી બજેટ સત્ર દરમિયાન ગૃહની કાર્યવાહીનું સંચાલન કરી રહ્યા હતા. નંદ કિશોર યાદવ 1969થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે. બિહારમાં તેમની ગણના યાદવ સમુદાયના મોટા નેતા તરીકે થાય છે. તેઓ 2003માં બિહારમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના કન્વીનર હતા. જ્યારે નીતીશ કુમારે એનડીએ છોડીને આરજેડી સાથે સરકાર બનાવવાનો નિર્ણય કર્યો ત્યારે ભાજપે નંદ કિશોર યાદવને વિરોધ પક્ષના નેતા બનાવ્યા હતા.
નંદ કિશોર યાદવે તેમની રાજકીય સફર 1978માં શરૂ કરી હતી. તેઓ પટના મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર બન્યા હતા અને બાદમાં 1982માં પટનાના ડેપ્યુટી મેયર બન્યા હતા. તેઓ 1995માં પ્રથમ વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ નીતીશ કુમારની સરકારમાં આ પહેલા પણ ઘણી વખત પ્રધાનપદે રહી ચૂક્યા છે. ભાજપ દ્વારા સ્પીકર પદ માટે નંદ કિશોર યાદવની પસંદગીને ભગવા પક્ષ દ્વારા વર્તમાન સરકારમાં અત્યંત પછાત વર્ગ (EBC), અન્ય પછાત વર્ગો (OBC) અને સામાન્ય વર્ગ વચ્ચે જાતિ સમીકરણ બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.