ઓડિશામાં સૌથી મોટી રોકડ જપ્તી ૨૯૦ કરોડ રૂપિયા
નવી દિલ્હી-ભુવનેશ્ર્વર : આવકવેરા ખાતાએ ઓડિશાસ્થિત ડિસ્ટિલરી અને એની સાથે કડી ધરાવતી કંપનીઓ પર દરોડા પાડીને જપ્ત કરેલી રોકડ રકમ ૨૯૦ કરોડ રૂપિયા પર પહોંચી છે. સત્તાવાર સાધનોના જણાવ્યા અનુસાર આ રકમ કોઈ એક એજન્સીએ એક ઓપરેશનમાં જપ્ત કરેલા કાળા નાણાંની આ સૌથી મોટી રકમ છે.
આવકવેરા ખાતાએ ચલણી નોટ ગણવા ૪૦ નાનામોટા મશીનો અને ગણતરી પ્રક્રિયામાં ઝડપ લાવવા ખાતા તેમ જ બૅન્કના વધુ કર્મચારીને કામે લગાડ્યા છે. બૌધ ડિસ્ટિલરી પ્રાઈવેટ લિમિટેડ પરના છ ડિસેમ્બરના
દરોડાને પગલે ગણતરી પ્રક્રિયા શરૂ થઈ હતી.
જપ્ત કરેલી રોકડ રકમ સરકારી બૅન્કમાં જમા કરાવવા વધુ વાહનોને ભાડે લેવાયા છે.
કૉંગ્રેસના ઝારખંડના રાજ્યસભાના સભ્ય ધીરજ પ્રસાદ સાહુના ઠેકાણા પર પણ દરોડા પડાયા છે. સમાચાર સંસ્થાએ આ સંસદસભ્યની ઈ-મેલ દ્વારા સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પરંતુ એ નાકામયાબ નિવડી હતી.
આવકવેરાના અધિકારીઓ હાલમાં કંપનીના વિવિધ ઓફિસર અને સંડોવાયેલા બીજાઓના નિવેદનો નોંધી રહ્યા છે. રોકડની ગણતરી શનિવારે પતી જાય એવી સંભાવના છે.
રોકડની કુલ જપ્તી ૨૯૦ કરોડ રૂપિયા થાય એવી સંભાવના છે.
૨૫૦ કરોડ રૂપિયા તો આ અગાઉ જ જપ્ત થયા છે અને રોકડ રકમ ઓડિશાની સરકારી બૅન્કની શાખાઓમાં જમા કરવામાં આવે છે. પકડાયેલી નોટ મોટા ભાગની ૫૦૦ રૂપિયાની છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેશમાં કોઈ એક ગ્રૂપ અને એને સંલગ્ન કંપનીઓ પર પાડેલા દરોડાના એકલા ઓપરેશનમાં એજન્સી દ્વારા જપ્ત કરાયેલી આ સૌથી મોટી રોકડ રકમ છે. (એજન્સી)
બિનહિસાબી રોકડને મામલે કૉંગ્રેસના
સાંસદની ધરપકડ કરો: મારાન્ડી
રાંચી: કૉંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ પ્રસાદ સાહુના નિવાસસ્થાનેથી મળી આવેલી બિનહિસાબી રોકડ રકમને પગલે તેમની ધરપકડ કરવાની ભાજપના ઝારખંડ એકમના પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બાબુલાલ મારાન્ડીએ માગણી કરી હતી. આવકવેરા ખાતા દ્વારા ઓડિશાસ્થિત બોધ ડિસ્ટીલરી પ્રા.લિ. અને તેની સાથે સંકળાયેલી કંપની પર પાડવામાં આવેલા
દરોડા દરમિયાન અંદાજે રૂ. ૨૨૫ કરોડની બિનહિસાબી રોકડ રકમ મળી આવી હતી, એમ અધિકારીઓએ શુક્રવારે કહ્યું હતું.
સાહુ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવાની મારાન્ડીએ માગણી કરી હતી. આ રૂપિયા કૉંગ્રેસના ટોચના નેતા તેમ જ મુખ્ય પ્રધાન હેમંત સોરેન સાથે કડી ધરાવતા હોવાનો આક્ષેપ કરી આ મામલે સઘન તપાસ યોજવાની તેમણે માગણી કરી હતી.
મશીનની મર્યાદિત ક્ષમતાને ધ્યાનમાં રાખીને આવકવેરા ખાતાએ ત્રણ ડઝન જેટલા રૂપિયા ગણવાનાં મશીન કામે લગાડ્યાં હતાં.
ધીમી ગતિએ રૂપિયાની ગણતરી ચાલી રહી હોવાનું તેમણે કહ્યું હતું. (એજન્સી)