મણિપુરમાં CBIને મોટી સફળતા, 2 વિદ્યાર્થીઓની હત્યાના મુખ્ય આરોપીઓ ઝડપાયા
મણિપુરમાં ગત જુલાઇમાં 2 વિદ્યાર્થીઓની હત્યા મામલે CBIને મોટી સફળતા મળી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનના અધિકારીઓએ આ કેસમાં કુલ 4ની ધરપકડ કરી છે અને 2ને અટકાયતમાં લીધા છે. આમાં 2 મહિલાઓ અને 2 પુરુષો પણ સામેલ છે. ઇમ્ફાલથી 51 કિલોમીટર દૂર ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાએ એક સંયુક્ત અભિયાન દરમિયાન આરોપીઓની ધરપકડ કરી હતી. તેમને પકડ્યા બાદ તાત્કાલિક હવાઇ માર્ગે ગુવાહાટી લઇ જવાયા છે.
હાલમાં જ વરિષ્ઠ પોલીસ અધિક્ષક તરીકે નિમણુક પામેલ કર્નલ નેક્ટર સંજેનબમએ ચુરાચાંદપુરમાં શંકાસ્પદોને પકડવાના આ ઓપરેશનનું નેતૃત્વ કર્યું હતું. મણિપુરના CM બિરેન સિંહે પણ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. અને જણાવ્યું હતું કે દોષિતોને કડકમાં કડક સજા આપવામાં આવશે.
મણિપુરમાં જુલાઇ મહિનાથી 2 વિદ્યાર્થીઓના લાપતા થવાના સમાચારો સોશિયલ મીડિયામાં ફેલાયા હતા. કુલ 2 તસવીરો વાઇરલ થઇ હતી જેમાંથી એક તસવીરમાં વિદ્યાર્થીઓ ઘાસના મેદાનમાં બેઠા છે અને બીજી તસવીર તેમની હત્યા કરાયા બાદ લેવામાં આવી હોવાનું અનુમાન છે. તપાસ બાદ તેમની ઓળખ 17 વર્ષીય હિજામ લિનથોઇનગાંબી અને 20 વર્ષીય ફિઝામ હેમજીતના રૂપમાં થઇ હતી. તસવીરો વાઇરલ થયા બાદ કેસ સીબીઆઇને સોંપવામાં આવ્યો હતો.
મણિપુરમાં સતત 6 મહિનાથી ચાલુ સામુદાયિક હિંસામાં 150થી વધુ લોકોમા મોત થઇ ચુક્યા છે, અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમજ વિસ્થાપિત થયા છે. રાજ્યમાં હિસાની સ્થિતિ કાબૂમાં લાવવા 40 હજારથી વધુ સુરક્ષા કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ઇન્ટરનેટ સેવાઓ પણ સતત બંધ રાખવામાં આવી રહી છે જેને પગલે જનજીવન સ્થગિત થઇ ગયું છે.