બાળ લગ્ન મુક્ત ભારત માટે મોટું પગલું! ધાર્મિક નેતાઓ અને પંચાયતો સાથે કરશે કામ- 100 દિવસનો માસ્ટર પ્લાન

નવી દિલ્હી: બાળલગ્નના કુરિવાજ સમાજની સામે એક મોટો પ્રશ્ન છે. કાયદાકીય રીતે ગુનો હોવા છતાં હજુ પણ ભારતના અનેક રાજ્યોમાં બાળલગ્નનું દૂષણ ખૂબ જ વ્યાપેલું છે. ત્યારે હવે સરકારે બાળલગ્નના દૂષણને ડામવા માટે 100 દિવસનો માસ્ટર પ્લાન બનાવ્યો છે. જેનો આજથી દિલ્હી ખાતેથી પ્રારંભ કરવામાં આવશે.
નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 4 ડિસેમ્બર, 2025 ના રોજ ‘બાળ લગ્ન મુક્ત ભારત’ માટે એક 100-દિવસીય સઘન જાગૃતિ અભિયાનનો વિધિવત શુભારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમ ‘બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન’ના એક વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આયોજિત કરવામાં આવી રહ્યો છે, જેની શરૂઆત મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે 27 નવેમ્બર, 2024 ના રોજ કરી હતી. આજે યોજાનાર આ સમારોહમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન અન્નપૂર્ણા દેવી અને રાજ્ય પ્રધાન સાવિત્રી ઠાકુર ઉપસ્થિત રહેશે.
આ અભિયાનમાં દેશભરમાંથી પ્રેરક પરિવર્તનની વાર્તાઓ અને મેદાન સ્તર પર કાર્ય કરનારા યોદ્ધાઓના અનુભવો પર આધારિત એક વિશેષ ફિલ્મનું પ્રદર્શન પણ કરવામાં આવશે. આના માધ્યમથી અત્યાર સુધીની સામૂહિક પ્રગતિની ઉજવણી કરવામાં આવશે અને મિશનના આગામી તબક્કા માટે નવા સંકલ્પ સાથે આગળ વધવાનો નિર્ધાર કરવામાં આવશે. આ 100-દિવસીય અભિયાન (27 નવેમ્બર 2025 – 8 માર્ચ 2026) ત્રણ-તબક્કાની યોજના સાથે ચલાવવામાં આવશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સમુદાયોને સક્રિય કરવા અને સતત કાર્યવાહીને પ્રોત્સાહિત કરવાનો છે.
આ અભિયાનની ત્રિ-સ્તરીય યોજના છે. પ્રથમ તબક્કો (27 નવેમ્બર – 31 ડિસેમ્બર 2025) માં શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં જાગૃતિ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવશે, જેમાં ડિબેટ, નિબંધ સ્પર્ધાઓ, સંવાદાત્મક સત્રો અને સંકલ્પ સમારોહનો સમાવેશ થાય છે.
બીજો તબક્કો (1 જાન્યુઆરી – 31 જાન્યુઆરી 2026) માં બાળ અધિકારો, સુરક્ષા અને સશક્તિકરણના સંદેશાઓને પ્રોત્સાહન આપવા માટે ધાર્મિક નેતાઓ, સામુદાયિક પ્રભાવકો (ઓપીનિયન લીડર) અને લગ્ન સેવા પ્રદાતાઓ સાથે કામ કરવામાં આવશે. ત્રીજો તબક્કો (1 ફેબ્રુઆરી – 8 માર્ચ 2026) માં ગ્રામ પંચાયતો અને નગરપાલિકા વોર્ડ્સને તેમના ક્ષેત્રને ‘બાળ-લગ્ન-મુક્ત’ જાહેર કરતા ઠરાવો પસાર કરવા માટે સંગઠિત કરવામાં આવશે. આ રાષ્ટ્રીય અભિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પંચાયતી રાજ, ગ્રામીણ વિકાસ અને શિક્ષણ મંત્રાલયો સાથે ગાઢ તાલમેલ કરીને લાગુ કરવામાં આવશે.



