ડંકી ફ્લાઇટ કેસમાં મોટા ખુલાસા અમેરિકા જવા રૂ. 40 લાખની 1.25 કરોડમાં થઇ હતી ડીલ
રોમાનિયાની ‘લેજન્ડ એરલાઇન્સ’ કંપનીના એરબસ A-340 વિમાનને માનવ તસ્કરીની શંકાના આધારે ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર ચાર દિવસ માટે અટકાવી રાખવામાં આવ્યું હતું. આ વિમાનમાં કુલ 303 ભારતીય મુસાફરો સવાર હતા. તેમાંથી 276 મુસાફરો 26 ડિસેમ્બરે મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા હતા. બાકીના 27 મુસાફરો ફ્રાન્સમાં જ રહ્યા કારણ કે તેઓએ ત્યાં આશ્રય માટે અરજી કરી હતી. આ પ્લેન દુબઈથી નિકારાગુઆ જઈ રહ્યું હતું. વિમાનમાં સવાર ભારતીય મુસાફરોમાં ત્રીજા ભાગના ગુજરાતીઓ હતા.
ગુજરાતની CID ક્રાઈમ બ્રાંચની ટીમે 30 મુસાફરોની પૂછપરછ કરી હતી, જેમાં ખુલાસો થયો હતો કે અમેરિકા જવા માટે તેઓએ એજન્ટો સાથે રૂ. 40 લાખથી રૂ. 1.25 કરોડ સુધીના સોદા કર્યા હતા. હવે આવતીકાલે સીઆઈડી ક્રાઈમ બાકીના મુસાફરોની પૂછપરછ કરી શકે છે અને અનેક ખુલાસાઓ થઇ શકે છે. મુસાફરોની પૂછપરછમાં અત્યાર સુધીમાં સીઆઈડીને 6 એજન્ટો વિશે ખબર પડી છે. જોકે, હજુ સુધી કોઈની પૂછપરછ કરવામાં આવી નથી. બાકીના મુસાફરોની પૂછપરછ બાદ CID એજન્ટો પર કડક કાર્યવાહી કરી શકે છે.
સીઆઈડીના જણાવ્યા અનુસાર, જે મુસાફરોની પૂછપરછ કરવામાં આવી હતી તેઓ એમ નથી કહી રહ્યા કે તેઓ છેતરાયા છે. તેઓ કોઈની સામે કંઈપણ કહેવા તૈયાર નથી. તેમને નિકારાગુઆનો ટ્રાન્ઝિટ વિઝા મળ્યો છે. મુસાફરોનું કહેવું છે કે તેઓ ફરવા જઈ રહ્યા હતા. ગુજરાતના મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, આણંદ જિલ્લાના પ્રવાસીઓ 14 ડિસેમ્બરથી દુબઈ પહોંચવાનું શરૂ કર્યું હતું. તે બધા નિકારાગુઆ માટે એકસાથે પ્લેનમાં ચડ્યા. સીઆઈડીના જણાવ્યા અનુસાર આ લોકો નિકારાગુઆથી અમેરિકા જઈ રહ્યા હતા.
CID ક્રાઈમ બ્રાંચની ટીમે જણાવ્યું હતું કે તેમની પાસે ટુરિસ્ટ વિઝા હતા, પણ આ બધા લોકો નોકરી માટે અમેરિકામાં જઇ રહ્યા હતા. આ લોકો અમેરિકામાં કેવી રીતે પ્રવેશી શક્યા અને આ ગેરકાયદેસર કામ કોની મદદથી કરી રહ્યા હતા એની તપાસ ચાલી રહી છે. મુસાફરોને એવો પણ ડર છે કે જો તેમની કોઇ ગુપ્ત માહિતી બહાર આવશે તો એજન્ટોને ચૂકવેલા પૈસા પાછા મેળવવાની તેમની આશા ઠગારી નીવડશે. માનવ તસ્કરીના આ કેસની તપાસ માટે ગુજરાતની CID ક્રાઇમ ટીમે ચાર જુદી જુદી ટીમો બનાવી છે.