Top Newsનેશનલ

તિરુપતિના પ્રસાદમાં ચરબી ભેળવવાના મુદ્દે મોટો ખુલાસો, થઈ હતી 50 લાખની નાણાકીય લેવડ દેવડ…

નવી દિલ્હી : દેશના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ તિરુપતિમાં ગત વર્ષે લાડુના પ્રસાદમાં ચરબી ભેળવવાનો મુદ્દો છેક સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જોકે, આ કેસમાં હાલમાં એક ચોકાવનારો ખુલાસો થયો છે. આ કેસની તપાસમાં 50 લાખ રૂપિયાની લેતી દેતીનો ખુલાસો થયો છે. આ તપાસમાં જણાવાયું છે કે આ રકમ તિરુપતિ મંદિર ટ્રસ્ટના ભૂતપૂર્વ અધ્યક્ષ વાય.વી. સુબ્બા રેડ્ડીના સહાયક કે. ચિન્નાપ્પન્નાને આપવામાં આવી હતી. તેમજ અહેવાલમાં જણાવાયું છે કે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમમાં ઘીના સપ્લાયમાં અનિયમિતતા થઈ હતી

અંગત સહાયક કે. ચિન્નાપ્પન્નાને રૂપિયા 50 લાખ રોકડા મળ્યા હતા

તિરુપતિમાં લાડુ દર વર્ષે મંદિરની મુલાકાત લેતા લાખો યાત્રાળુઓ, ભક્તો અને પ્રવાસીઓને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. વાય.વી. સુબ્બા રેડ્ડી તે સમયે લોકસભા સાંસદ હતા અને હવે રાજ્યસભાના સભ્ય છે. તેમના અંગત સહાયક કે. ચિન્નાપ્પન્નાને રૂપિયા 50 લાખ રોકડા મળ્યા હતા. આ પૈસા ઉત્તર પ્રદેશ સ્થિત કંપની, એગ્રી ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હવાલા એજન્ટો દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

અમન ગુપ્તાએ રૂપિયા 20 લાખ આપ્યા હતા

આ તપાસમાં જાણવા મળ્યું કે દિલ્હી સ્થિત એજન્ટ અમન ગુપ્તાએ તેમને રૂપિયા 20 લાખ આપ્યા હતા. ત્યારબાદ કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવ વિજય ગુપ્તાએ બાકીની રકમ પૂરી પાડી હતી. આ બંને વ્યવહારો દિલ્હીના પટેલ નગર મેટ્રો સ્ટેશન પાસે થયા હતા. ગયા વર્ષે આ બાબતથી ઘણો વિવાદ થયો હતો, જેમાં પ્રસાદની પવિત્રતા સાથે ચેડા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

ઘી સપ્લાય કરવામાં ચાર કંપનીઓ સામેલ હતી

જયારે તપાસમાં જાણવા મળ્યું કે લાડુ માટે ઘી સપ્લાય કરવામાં ચાર કંપનીઓ સામેલ હતી. આ કંપનીઓએ દસ્તાવેજો સાથે છેડછાડ કરી હતી અને ટેન્ડર મેળવવા માટે કિંમતોમાં છેડછાડ કરી હતી. જેમાં 60.37 લાખ કિલો ઘી રૂપિયા 240.8 કરોડમાં વેચાયું હતું. આ ઘી ખાસ કરીને ભોલે બાબા ઓર્ગેનિક ડેરી મિલ્ક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેમાં પામ તેલ અને કેમિકલનો ઉપયોગ થતો હતો.

ભેળસેળ પછી પણ સપ્લાય ચાલુ રાખવા પર પ્રશ્નો

આ ઘી કંપનીએ તેના રૂરકી પ્લાન્ટમાં બનાવ્યું હતું. ત્યાર બાદ આ ઘી ત્રણ અન્ય કંપનીઓ શ્રી વૈષ્ણવી ડેરીને 133.12 કરોડ રૂપિયામાં સપ્લાય કરવામાં આવ્યું. માલગંગા મિલ્ક એન્ડ એગ્રો પ્રોડક્ટ્સે તેને 73.18 કરોડ રૂપિયામાં સપ્લાય કર્યું. બીજી કંપની એઆર ડેરી ફૂડ્સે 1.61 કરોડ રૂપિયાનું ઘી સપ્લાય કર્યું. આ અહેવાલમાં એ પણ ખુલાસો થયો છે કે મૈસુર સ્થિત કંપની સેન્ટ્રલ ફૂડ ટેક્નોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે ભેળસેળની જાણ કરી હતી. તેમ છતાં સપ્લાય 2024 સુધી ચાલુ રહ્યો. તપાસમાં ભેળસેળ પછી પણ સપ્લાય ચાલુ રાખવા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

આ પણ વાંચો…તિરુપતિ લાડુમાં ચરબી ભેળવનારાઓ સામે સીબીઆઇની કાર્યવાહી, કરી ધરપકડ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button