ઇથેનોલ ઉત્પાદકોને મકાઇ વેચવા મુદ્દે મોટી રાહતઃ નાફેડ અને એનસીસીએફને સરકારની મંજૂરી
નવી દિલ્હીઃ ઇથેનોલ ઉત્પાદકો માટે મકાઈનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સરકારે સહકારી સંસ્થાઓ નાફેડ અને એનસીસીએફને આ વર્ષે ડિસ્ટિલરીઝને પ્રતિ ક્વિન્ટલ 2,291 રૂપિયાના મૂળ ભાવે મકાઈ વેચવાની મંજૂરી આપી છે.
નાફેડ અને નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (એનસીસીએફ) વર્ષ 2023-24માં 2,090 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના લઘુત્તમ ટેકાના ભાવે મકાઈની ખરીદી કરશે અને ડિસ્ટિલરીઓને 2,291 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના દરે સપ્લાય કરશે, ખાદ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતુ કે આ નિર્ણયનો હેતુ ડિસ્ટિલરીઓને ઇથેનોલ ઉત્પાદન માટે ફીડસ્ટોકનો અવિરત પુરવઠો મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. કૃષિ મંત્રાલયના અંદાજ મુજબ, 2023-24 વર્ષ (જુલાઈ-જૂન)માં દેશમાં મકાઈનું ઉત્પાદન 22.48 મિલિયન ટન રહેવાનો અંદાજ છે. સરકાર ઇથેનોલના ઉત્પાદનમાં વધારો કરવા અને બજારમાં તેનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવા ખાંડના વિકલ્પ તરીકે મકાઈના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં સરકારે સુગર મિલોને ઇથેનોલના ઉત્પાદન માટે શેરડીના રસનો ઉપયોગ ન કરવાનો નિર્દેશ આપ્યો હતો કારણ કે 2023-24 માર્કેટિંગ વર્ષ (ઓક્ટોબર-સપ્ટેમ્બર) માં દેશનું ખાંડનું ઉત્પાદન ઘટવાની ધારણા છે.
દરમિયાન ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ મકાઈમાંથી બનેલા ઇથેનોલની ખરીદ કિંમતમાં લિટર દીઠ 5.79 રૂપિયાનો વધારો કર્યો છે જેથી તેના પેટ્રોલ સાથે મિશ્રણના ઉત્પાદનને પ્રોત્સાહન મળી શકે.