
મુંબઈઃ જેમને મહિને એકાદવાર ચેક ભરવાના હોય તેમને ન સમજાય કે રોજબરોજ ચેકથી ટ્રાન્ઝેક્શન કરનારા વેપારીઓ સહિતના ધંધાર્થીઓ માટે આ કેટલી મોટી રાહતના સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ જાહેરાત પ્રમાણે હવે તમારે ચેક ક્લિયરન્સ માટે વધુ રાહ નહીં જોવી પડશે. હા, હવે થોડા કલાકોમાં તમારો ચેક ક્લિયર થઈ જશે અને પૈસા તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. ભારતીય રિઝર્વ બેંકે ચેક ક્લિયરિંગ માટે લાગતો સમય ઘટાડીને થોડા કલાકો કરવાનો અને તેની સાથે સંકળાયેલા જોખમોને ઘટાડવાના હેતુથી પગલાં લેવાનો નિર્ણય કર્યો છે.
હાલમાં ચેક ક્લિયર થવામાં 2 દિવસ લાગે છે
હાલમાં, ચેક જમા કરાવવાના સમયથી ચેક ક્લિયર થવા અને પૈસા મળવામાં ઓછામાં ઓછા બે દિવસ લાગે છે. પરંતુ નવી સિસ્ટમમાં ચેક જમા થયાના થોડા કલાકોમાં જ ક્લિયર થઈ જશે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે નાણાકીય વર્ષ 2024-25 માટે ત્રીજી નાણાકીય નીતિ સમીક્ષાની જાહેરાત કરતી વખતે આની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો : FASTagને લઈને RBI આ પગલું લેવાની તૈયારીમાં… જાણી લેશો તો ફાયદામાં રહેશો
શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, ચેક ક્લિયરિંગને સુવ્યવસ્થિત કરવા, પતાવટના જોખમને ઘટાડવા અને ગ્રાહકોને વધુ સારી સેવાઓ આપવાના ઉદ્દેશ્ય સાથે ચેક ટ્રાંઝેક્શન સિસ્ટમ (CTS)ની વર્તમાન સિસ્ટમમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ છે.
RBI અનુસાર નવી સિસ્ટમ હેઠળ, ચેકને ‘સ્કેન’ કરવામાં આવશે, રજૂ કરવામાં આવશે અને થોડા કલાકોમાં ક્લિયર કરવામાં આવશે. આ સાથે, ચેકનું ક્લિયરન્સ થોડા કલાકોમાં થઈ જશે જ્યારે હાલમાં તે બે દિવસ (T+1) લે છે. શક્તિકાંત દાસે કહ્યું કે આ મામલે વિગતવાર માર્ગદર્શિકા ટૂંક સમયમાં જારી કરવામાં આવશે.
આ સિવાય RBI ગવર્નર શક્તિકાંત દાસે આજે બીજી ઘણી મોટી જાહેરાતો કરી. તેમણે કહ્યું કે હવે UPI દ્વારા ટેક્સ પેમેન્ટની મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી રહી છે. આ સિવાય આજે તેમણે સતત 9મી વખત રેપો રેટને 6.5 ટકા પર સ્થિર રાખવાની જાહેરાત કરી હતી.