
મુંબઇઃ સલમાન ખાનના ઘરે ફાયરિંગ અંગેના કેસમાં દરરોજ નવા અપડેટ્સ આવી રહ્યા છે. આ કેસમાં આરોપી વિકી ગુપ્તા (24), સાગર પાલ (21) અને અનુજ થપન (32) પોલીસ કસ્ટડીમાં છે. હવે એવા સમાચાર જાણવા મળ્યા છે કે સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા લોકોમાંથી એકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેનું નામ અનુજ થાપન છે. અનુજ થાપન તરીકે ઓળખાતા આ વ્યક્તિ પર મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરનારા બે લોકોને હથિયાર પૂરા પાડવાનો આરોપ હતો.
અનુજ થાપને આજે પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ થાપનને નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
નોંધનીય છે કે અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના કેસમાં પોલીસે મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (મકોકા) ની જોગવાઇઓ હેઠળ કેસ દાખલ કર્યો છે. આ વિશે માહિતી આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓ વિકી ગુપ્તા (24) અને સાગર પાલ (21), સોનુ કુમાર ચંદર બિશ્નોઈ (37) અને અનુજ થાપન (32) ઉપરાંત લોરેન્સ બિશ્નોઇ અને તેના ભાઇ અનમોલ બિશ્નોઇ પર મકોકા લગાવવામાં આવ્યો છે.
14 એપ્રિલના રોજ સલમાન ખાનના બાન્દ્રા સ્થિત રહેઠાણ ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે મોટરસાઇકલ સવાર શખ્સે ગોળીબાર કર્યો હતો અને ત્યાર બાદ તેઓ ભાગી છૂટ્યા હતા. ગોળીબાર બાદ પોલીસે સલમાન ખાનની હત્યાના આરોપ અંગે એફઆઇઆર દાખલ કરી હતી. પોલીસે 16 એપ્રિલે ગુજરાતના ભૂજ ખાતેથી આરોપી વિકી ગુપ્તા અને સાગર પાલની ધરપકડ કરી હતી. ત્યાર બાદ પંજાબમાંથી અનુજની ધરપકડ કરવામાં આવી હતી.