UPમાં INDIA ગઠબંધનને તગડું નુકસાન, જયંત ચૌધરીની પાર્ટી NDAમાં સામેલ થઇ
ઉત્તરપ્રદેશ: Jayant Chaudhary joins NDA: રાષ્ટ્રીય લોક દલના અધ્યક્ષ જયંત ચૌધરી (Jayant Chaudhary)એ INDIA ગઠબંધનને એક મોટો ઝટકો આપ્યો છે. તેમણે NDAમાં સામેલ થવાની જાહેરાત કરી છે. જયંત ચૌધરીએ કહ્યું હતું કે પાર્ટીના તમામ ધારાસભ્યો સાથે ચર્ચા કરીને આ નિર્ણય લીધો છે. તો બીજી તરફ પક્ષના નારાજ સભ્યો સાથે વાત કરી લીધી હોવાનું અને તમામ સભ્યોએ નિર્ણયને ટેકો આપ્યો હોવાની તેમણે જાહેરાત કરી હતી.
મહત્વનું છે કે જયંત ચૌધરી (Jayant Singh) દેશના પૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણસિંહના પૌત્ર છે. હાલમાં જ કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે દેશના પૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણસિંહને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. એ પછીથી એવી અટકળો વહેતી થઇ હતી કે જયંત ચૌધરી ભાજપમાં જોડાવાના છે. ત્યારે આજે આ અટકળો સાચી ઠરી છે. ભારત રત્નની જાહેરાત બાદ જયંત ચૌધરીએ પ્રતિક્રિયા આપી હતી કે આ મારા, મારા પરિવાર અને દેશભરના ખેડૂત સમુદાય માટે એક મોટું સન્માન છે.
પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં જાટ, ખેડૂતો અને મુસ્લીમ સમુદાયો મોટી સંખ્યામાં વસે છે. અહીં લોકસભાની કુલ 27 બેઠકો છે જેમાંથી ગત 2019ની ચૂંટણીમાં ભાજપે 19 બેઠકો પર જીત મેળવી હતી. 4 બેઠકો અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીને અને 4 બેઠકો માયાવતીની બહુજન સમાજ પાર્ટીને મળી હતી. આ ચૂંટણીમાં RLDને મોટો ફટકો પડ્યો હતો, જયંત ચૌધરીને જાટ સમુદાયનું પણ સમર્થન મળી શક્યું નહોતું.