રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં મોટો વિવાદ: આ મોટા નેતા થયા સસ્પેન્ડ
જયપુર: રાજસ્થાનમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવામાં આવશે એ પૂર્વે અત્યારથી રાજસ્થાન ભાજપ (ભારતીય જનતા પાર્ટી)માં મોટો વિવાદ ઊભો થયો છે. ભાજપે પક્ષના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિધાનસભ્ય અધ્યક્ષ કૈલાશ મેઘવાલને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કૈલાશ મેઘવાલ છેલ્લાં કેટલાય સમયથી સતત કેન્દ્રીય પ્રધાન અર્જુનરામ મેઘવાલ પર ટીકા કરી રહ્યાં હતાં. તેમણે થોડા દિવસો પહેલાં અર્જુનરામ મેઘાવલ પર ભ્રષ્ટાચારનો ગંભીર આક્ષેપ કર્યો હતો. ત્યાર બાદ આજે પણ જયપુરમાં મીડિયા સાથે વાત કરતાં ભાજપમાં જૂથવાદ હોવાનો દાવો કર્યો હતો. ત્યાર બાદ ભાજપે તેમના પર તરત જ કાર્યવાહી કરી તેમને સસ્પેન્ડ કર્યા છે. ઉલ્લેખનીય છે કે કૈલાશ મેઘવાલ વસુંધરા રાજે જૂથના નેતા હોવાનું કહેવાઇ રહ્યું છે.
થોડા દિવસો પહેલાં કેન્દ્રીય પ્રધાન અર્જુનરામ મેઘાવલ પર જાહેર મંચ પરથી આક્ષેપ કરવા બદલ કૈલાશ મેઘાવલને પક્ષે કારણદર્શક નોટિસ ફટકારી હતી. ઉપરાંત, તેમને દસ દિવસમાં જવાબ આપવાનો આદેશ પણ આપ્યો હતો. ત્યાર બાદ કૈલાશ મેઘવાલે આજે ફરી પ્રેસ કોન્ફરન્સ યોજી અર્જુનરામ મેઘવાલ પર આક્ષેપ કર્યો હતો. ઉપરાંત પક્ષમાં જૂથવાદ હોવાનો દાવો પણ કર્યો હતો.
કૈલાશ મેઘવાલના સસ્પેન્શન બાબતે ભાજપના પ્રદેશાધ્યક્ષ સી.પી. જોશીએ કોઇ પણ પ્રતિક્રિયા આપી નહતી. જ્યારે પ્રભારી અરુણ સિંહે આ વાતની તપાસ કરશે અને પછી જ કોઇ પ્રતિક્રિયા આપશે એમ કહ્યું હતું. કૈલાશ મેઘવાલના સસ્પેન્શન બાદ રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ વધી ગઇ છે. જોકે કોઇ પણ નેતાએ આ અંગે કોઇ પણ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું.
દરમિયાન આજે મીડિયા સાથે વાત કરતાં કૈલાશ મેઘવારે કહ્યું હતું કે હું વસુંધરાજીને કંઇ જ નહીં કહું. પણ એક સમય હતો જ્યારે હું હીરો હતો. હવે ઝીરો થયો છું. પક્ષમાંથી મને ઇગ્નોર કરવામાં આવી રહ્યો છે. મારા પક્ષના કેટલાંક લોકો અર્જુનરામ મેઘવાલની સરખામણી ડો. બાબાસાહેબ આંબેડકર સાથે કરે છે આ માત્ર તેમને ખુશ રાખવામાં કરવામાં આવી રહ્યું છે. હું રાજકારણમાં સક્રિય હતો અને આગળ પણ રહીશ. મેં જાહેરમાં વસુંધરા રાજે પર કોઇ આક્ષેપ કર્યો નથી.
કૈલાશ મેઘવાલે વધુમાં કહ્યું હતું કે હું ભાજપ સાથે જોડાયેલો છું, મારે મોદી સાથે કોઇ નારાજગી નથી. મારી રાજકીય કારકીર્દી ઉત્તમ રહી છે. માને ઇગ્નોર કરવામાં આવી રહ્યો છે. હાલમાં ભાજપ જૂથવાદને કારણે વિખરાઇ રહી છે. ઉપરાંત વસુંધરા રાજે જૂથને સમાપ્ત કરવાના પ્રયાસો થઇ રહ્યાં છે.