મોટાભાઈનો સ્વેગ જ અલગ છે: જ્યારે આખું સદન ખડખડાટ હસી પડ્યું…

નવી દિલ્હીઃ સંસદમાં શિયાળા સત્રનો આજે ત્રીજો દિવસ, છે અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ, 2023 અને જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) બિલ, 2023 પર જોરદાર ચર્ચા ચાલી રહી છે અને આ ચર્ચા દરમિયાન જ કંઈક એવું થયું હતું સદનમાં સભ્યો ખડખડાટ હસી પડ્યા હતા. આવો જોઈએ શું છે આખી ઘટના…
કાશ્મીર મુદ્દે સદનમાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ અને લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી વચ્ચે મજેદાર મીઠી નોકઝોક જોવા મળી હતી. આવું ત્યાર થયું કે જ્યારે અમિત શાહ જમ્મુ-કાશ્મીર સાથે સંકળાયેલા બે બિલ જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ, 2023, જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) બિલ, 2023 પર પોતાના વિચારો જણાવી રહ્યા હતા.
અમિત શાહ જ્યારે કાશ્મીર મુદ્દે કંઈક બોલી રહ્યા હતા ત્યારે વિપક્ષના નેતા અધીર રંજન વચ્ચે જ બોલવા લાગ્યા હતા. આ જોઈને અમિત શાહે કહ્યું કે અરે યાર અધીર રંજન… બસ આટલું સાંભળીને જ આખા સદનમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. આગળ પોતાની વાત પૂરી કરતાં અમિત શાહે કહ્યું કે તમને તો નિયમ ખબર છે ને, તમારે આ રીતે વચ્ચે ના બોલવું જોઈએ.
વાત આટલેથી જ પૂરી નહોતી થઈ. આગળ અમિત શાહે કહ્યું કે એવું લાગી રહ્યું છે કે અધીર બાબું પણ લખેલા ભાષણ જ વાંચવા લાગ્યા છે. જેના જવાબમાં અધીર રંજને કહ્યું કે તમે પણ તો લખેલા ભાષણ જ વાંચી રહ્યા છે. અધીર રંજનની આ દલીલની સામે અમિત શાહે કહ્યું કે મેં મારા અત્યાર સુધીના પોલિટિકલ કરિયરમાં ક્યારેય લખેલાં ભાષણ નથી વાંચ્યા. હું માત્ર તથ્યો માટે જ કાગળનો સહારો લઉં છું અને તેમણે પાછું પોતાનું ભાષણ શરું કર્યું હતું.
સોશિયલ મીડિયા પર પણ અમિત શાહ અને અધીર રંજનના સદનના મજેદાર વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. જેમાંથી એક વીડિયોમાં અધીર રંજન અમિત શાહને એવો સવાલ પૂછતા જોવા મળે છે કે જ્યારે આઝાદીની લડત લડવામાં આવી રહી હતી ત્યારે તમે ક્યાં હતા? અધીર રંજનના આ સવાલના જવાબમાં મોટાભાઈ એવું કહેતા સાંભળવા મળ્યા હતા ભાઈ બેસી જાવ, એ સમયે તો મારો જન્મ પણ નહોતો થયો.
બીજા એક વીડિયોમાં અધીર રંજન સદનના અધ્યક્ષ અને સરકાર સામે એવો પડકાર ફેંકતા જોવા મળી રહ્યા છે કે જેમાં તેઓ એવું કહે છે કે હું એક આખો દિવસ જમ્મુ-કાશ્મીર અને નહેરુજીની ભૂલો પર ચર્ચા કરવા તૈયાર છું. અધીર રંજનના આ પડકારના જવાબમાં મોટાભાઈ કહે છે કે અમને મંજૂર છે અને અમે આ માટે તૈયાર છીએ હમણાં જ ચર્ચા કરવા માટે…
મોટાભાઈ અને અધીર રંજનના વીડિયો પર નેટિઝન્સ જોરશોરથી કમેન્ટ કરી રહ્યા છે અને કેટલાક યુઝર્સ અમિત શાહની હાજરજવાબી સાંભળીને એવી કમેન્ટ કરી રહ્યા છે કે મોટાભાઈને ડેડલાઈન આપે છે?