નવી દિલ્હીઃ અમે તમને એવા સમાચાર આપવા જઇ રહ્યા છીએ જે તમને પરેશાન કરી શકે છે. દેશભરના ફાસ્ટેગ સર્વિસ પ્રોવાઈડર્સે જારી કરાયેલા ફાસ્ટેગ પર સર્વિસ ચાર્જ વસૂલવાનું શરૂ કરી દીધું છે, તેથી હવે તમારે તમારા ગજવા ઢીલા કરવા તૈયાર રહેવું પડશે. નોંધનીય છે કે અત્યાર સુધી કોઈ બેંક ફાસ્ટેગ પર સર્વિસ ચાર્જ વસૂલતી ન હતી, પણ હવેથી દરેક બેંકો સર્વિસ ચાર્જ વસુલશે.
એ તો બધા જ જાણે છે કે સમગ્ર દેશમાં માત્ર ફાસ્ટેગ દ્વારા જ હવે ટોલ ટેક્સ લેવામાં આવે છે. ફાસ્ટેગ સેવા મફત કરવામાં આવી હતી, પણ હવે નવા નિયમો બે જુલાઇથી અમલમાં આવ્યા છે, જેમાં સેવાઓ પર સર્વિસ ચાર્જ ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે, જે મુજબ બેંકોએ હવે સર્વિસ ચાર્જ વસુલવાની શરૂઆત કરી છે. આપણે આ વિશે જાણીએ.
હવેથી જો તમારે ફાસ્ટેગ સ્ટેટમેન્ટ જોઇતું હશે તો તમારે 25 રૂપિયાની ફી ચૂકવવી પડશે. જો તમારે ફાસ્ટેગ બંધકરવું છે તો તમારે 100 રૂપિયા ચાર્જ આપવો પડશે. ટેગ મેનેજમેન્ટ માટે 25 રૂપિયા ચૂકવવા પડશે. જો તમારા ખાતામાં ઓછા પૈસા હશે તો પ્રતિ ક્વાર્ટર તમારે 25 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.
નોંધનીય છે કે અત્યાર સુધી ફાસ્ટેગ પર કોઈ સર્વિસ ચાર્જ લેવામાં આવતો ન હતો, પણ હવે બેંકોએ તેમને થતા ખર્ચાઓને ટાંકીને ફાસ્ટેગની વિવિધ સેવાઓ પર સર્વિસ ચાર્જ ઉઘરાવવાનું ચાલુ કરી દીધું છે. જો કોઈએ ફાસ્ટેગ માટે KYC કરાવ્યું નથી તો તેમને પણ તુરંત જ KYC કરાવવાની સલાહ આપવામાં આવી છે. દર ત્રણ વર્ષે તમારે ફાસ્ટેગ માટે KYC ફરીથી કરાવવું પડશે. જો તમારું KYC પાંચ વર્ષ જૂનું છે તો તમારે તેને તાત્કાલિક બદલવું પડશે. હવે ફાસ્ટેગને વાહનના ચેસીસ નંબર સાથે લિંક કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
વાહનનો રજિસ્ટ્રેશન નંબર ઉપલબ્ધ ન હોય તો ચેસીસ નંબર ફરજીયાત કરવામાં આવ્યો છે. નવું વાહન ખરીદી કર્યા પછી 90 દિવસની અંદર રજિસ્ટ્રેશન નંબર અપડેટ કરાવવો પડશે, નહીંતો તમારું ફાસ્ટેગ નહીં કામ કરે. આ ઉપરાંત ફાસ્ટેગ માટે KYC કરતી વખતે વાહનની આગળની બાજુનો સ્પષ્ટ ફોટો અપલોડ કરવો પડશે.
વેલ, ફાસ્ટેગના આ બદલાયેલા નિયમોને અનુરૂપ થતાં લોકોને થોડો સમય તો લાગશે જ.
Also Read –