AAP સાંસદ સંજયસિંહને મોટો ફટકો, 10 જાન્યુઆરી સુધી રહેશે જેલમાં

નવી દિલ્હી: દિલ્હી આબકારી નીતિમાં કૌભાંડ મામલે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહની ન્યાયિક કસ્ટડી 10 જાન્યુઆરી સુધી લંબાવી છે. AAP નેતાના ઘરમાં ED દ્વારા તેમના સરકારી નિવાસસ્થાને દરોડા પાડી કલાકો સુધી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
AAP નેતા સંજય સિંહની EDએ ગત 4 ઓક્ટોબરે ધરપકડ કરી હતી. EDએ દાવો કર્યો હતો કે આબકારી નીતિમાં દારૂનો વેપાર કરતા અનેક ધંધાર્થીઓને તેમણે આર્થિક ફાયદો કરાવવા માટે લાંચ લીધી હતી.
આ જ કૌભાંડમાં અગાઉ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને AAP નેતા મનીષ સિસોદિયા પણ જેલમાં છે. તેમના સિવાય મુખ્યપ્રધાન તથા AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને પણ EDએ પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે, જો કે હાલ કેજરીવાલ વિપશ્યના માટે નીકળી ગયા હોવાથી તેમણે કહેવડાવ્યું હતું કે તેઓ સમન્સમાં હાજર રહી શકે તેમ નથી.
કેજરીવાલે EDને સમન્સનો જવાબ આપતા જણાવ્યું હતું કે, “હું દરેક કાયદાકીય સમન્સનું પાલન કરવા તૈયાર છું. પરંતુ EDનું આ સમન્સ પણ અગાઉના સમન્સની જેમ ગેરકાયદેસર છે. સીએમ કેજરીવાલે એમ પણ કહ્યું છે કે EDનું આ સમન્સ સંપૂર્ણપણે રાજકારણથી પ્રેરિત છે. આ સમન્સ પાછું ખેંચી લેવું જોઈએ. હું મારું જીવન ઈમાનદારી અને પારદર્શિતા સાથે જીવ્યો છું, મારી પાસે છુપાવવા માટે કંઈ નથી.” તેમ કેજરીવાલે ઉમેર્યું હતું.
એવી પણ ચર્ચા છે કે કેજરીવાલની પણ પૂછપરછ બાદ તરત જ ધરપકડ કરવામાં આવી શકે છે. તેમણે એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે કેન્દ્રની મોદી સરકાર તપાસ એજન્સીઓનો સહારો લઈને તેમને જેલમાં મોકલવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રિય એજન્સીઓ, ઈડી અને સીબીઆઈ બંને દિલ્હી આબકારી નીતિ કૌભાંડની તપાસ કરી રહી છે.