નેશનલ

જાણીતા અર્થશાસ્ત્રી, પીએમની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ Bibek Debroyનું થયું નિધન

દેશના જાણીતા અર્થશાસ્ત્રી અને વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ બિબેક દેબરોયનું 69 વર્ષની વયે નિધન થયું છે. ભારતીય અર્થતંત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે ઓળખાતા, દેબરોયે દેશની આર્થિક નીતિઓને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

પદ્મશ્રીથી સન્માનિત દેબરોય, પૂણેના ગોખલે ઇન્સ્ટિટ્યૂટ ઑફ પોલિટિક્સ એન્ડ ઇકોનોમિક્સના ચાન્સેલર તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ 5 જૂન 2019 સુધી નીતિ આયોગના સભ્ય હતા. તેમણે ઘણા પુસ્તકો તેમજ લેખો લખ્યા છે અને સંપાદિત કર્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દેબરોયના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું, ‘હું ડૉ. દેબરોયને ઘણા વર્ષોથી ઓળખું છું. હું હંમેશા તેમની આંતરદૃષ્ટિ અને શૈક્ષણિક ચર્ચા માટેના તેમના જુસ્સાને યાદ રાખીશ. તેમના નિધનથી દુઃખી. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદના.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘ડૉ. બિબેક દેબરોય મહાન વિદ્વાન હતા. તેઓ અર્થશાસ્ત્ર, ઈતિહાસ, સંસ્કૃતિ, રાજકારણ, આધ્યાત્મિકતા અને અન્ય ઘણા ક્ષેત્રોના જાણકાર હતા. તેમના કાર્યો દ્વારા તેમણે ભારતના બૌદ્ધિક લેન્ડસ્કેપ પર અમીટ છાપ છોડી છે. જાહેર નીતિમાં તેમના યોગદાન ઉપરાંત, તેમને આપણા પ્રાચીન ગ્રંથો પર કામ કરવાનું અને તેને યુવાનો માટે સરળ અને સુલભ બનાવવાનું પસંદ હતું.’

કોંગ્રેસ નેતા જયરામ રમેશે પણ બિબેક દેબરોયના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. જયરામ રમેશે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, ‘બિબેક દેબરોય અગ્રણી, સૈદ્ધાંતિક અને અનુભવી અર્થશાસ્ત્રી હતા. તેમણે ભારતીય અર્થતંત્રના વિવિધ પાસાઓ પર કામ કર્યું છે અને લખ્યું છે. તેમની પાસે સામાન્ય લોકો જટિલ આર્થિક મુદ્દાઓને સરળતાથી સમજી શકે તે માટે સ્પષ્ટ સમજૂતી આપવાનું વિશેષ કૌશલ્ય પણ હતું. તેમણે દરેક જગ્યાએ પોતાની છાપ છોડી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button