I.N.D.I.A ગઠબંધનની ભોપાલ રેલી રદ…
નવી દિલ્હી: ભોપાલમાં યોજાનારી વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ’ (I.N.D.I.A.)ની પ્રથમ રેલી રદ કરવામાં આવી છે. એક દિવસ પહેલા સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભોપાલમાં મહાગઠબંધનની મોટી રેલી થશે, પરંતુ હવે મધ્યપ્રદેશના પૂર્વ સીએમ અને કોંગ્રેસના નેતા કમલનાથે સ્પષ્ટ કર્યું છે કે ભોપાલમાં મહાગઠબંધનની રેલી રદ કરવામાં આવી છે.
આ પહેલા બુધવારે I.N.D.I.A. એલાયન્સની સંકલન સમિતિની પ્રથમ બેઠક બાદ જણાવવામાં આવ્યું હતું કે દેશના વિવિધ ભાગોમાં સંયુક્ત જાહેર સભાઓ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ભોપાલમાં પ્રથમ રેલી યોજાશે. આવી સ્થિતિમાં હવે તેને રદ્દ કરવા પાછળના કારણો પર સવાલો ઉઠી રહ્યા છે.
થોડા મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે I.N.D.I.A. ગઠબંધનના ઘટક પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીના મુદ્દાને લઇને કોઇ નિરાકરણ ના આવતા આ સંયુક્ત રેલીને હાલ પુરતી મુલતવી રાખવામાં આવી હોય એવું લાગે છે. જો કે કેટલાક લોકોનું કહેવું છે કે આમ આદમી પાર્ટી મોટાભાગના ચૂંટણી રાજ્યોમાં સીટોની માંગ કરી રહી છે, જ્યારે સમાજવાદી પાર્ટી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભા સીટો માંગે છે.
ઉલ્લેખનીય છે કે પ્રાદેશિક પક્ષો આ ચૂંટણી રાજ્યોમાં ગઠબંધન અથવા સીટની વહેંચણી વિશે વાત કર્યા વિના કોંગ્રેસ સાથે પ્લેટફોર્મ શેર કરીને પોતાને નુકસાન પહોંચાડવા માંગતા નથી. આવી સ્થિતિમાં સંભવ છે કે વિધાનસભા ચૂંટણી પછી જ આ રાજ્યોમાં I.N.D.I.A. ગઠબંધનની સંયુક્ત રેલીઓ થઈ શકે છે.