ભોપાલમાં પોલીસે આ રીતે ઉકેલ્યો 3.45 કરોડના સોનાની ચોરીનો ભેદ, બે આરોપીની ધરપકડ

ભોપાલ : મધ્ય પ્રદેશના ભોપાલમાં કારમાંથી ચોરાયેલું ત્રણ કરોડના સોનાની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે. આ કેસમાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે.તેમજ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાની વિગત મુજબ ઘેર ઘેર સોનું વેચનાર વેપારી પોતાનો માલ સામાન વેચીને ભોપાલ પરત ફરી રહ્યો હતો. ત્યારે તેણે રસ્તામાં દારૂ પીધો હતો. જેના લીધે ગાડીમાં જ ઊંઘી ગયો હતો. પરંતુ જયારે તેણે જાગીને જોયું તો તેનું સોનું ગાયબ હતું. તેણે આ અંગે નિશાતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તેની બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.
3.45 કરોડનો મુદ્દામાલ જપ્ત
આ ફરિયાદ બાદ પોલીસે 1000 થી વધારે સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. તેમજ ગુપ્ત માહિતીના આધારે ચોરો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ તેની બાદ પોલીસે છોલા મંદિર ક્ષેત્રમાંથી બે લોકોની ધરપકડ કરી હતી. તેમજ પૂછપરછમાં બંને વ્યકિતએ ચોરીની ક્બૂલાત કરી હતી. આ બે આરોપીનું નામ હરીશ યાદવ અને દિપક છે. જેમાં આરોપીઓ પાસેથી ૩.300 કિલોગ્રામ સોનું, 803 ગ્રામ ચાંદી અને 4. 50 લાખની રોકડ જપ્ત કરી હતી. જેની કુલ કિંમત અંદાજે 3.45 કરોડ અંદાજવામાં આવી છે.
વસ્તુઓ ક્યાંથી લાવવામાં આવી છે તેની પણ તપાસ શરુ
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે , ફરિયાદીની બેદરકારીનો ફાયદો ઉઠાવીને આરોપીઓએ આ ચોરી કરી હતી. જોકે, બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે જયારે એક આરોપી ફરાર છે. આ દરમિયાન પોલીસે વેપારી પાસે રહેલા સોના- ચાંદી અને નાણાની તપાસ શરૂ કરી છે. તેમજ આ બધી વસ્તુઓ ક્યાંથી લાવવામાં આવી છે તેની પણ તપાસ શરુ કરવામાં આવી છે.
આપણ વાંચો : આ તારીખે ભારતીય વાયુસેનાને મળશે પહેલું તેજસ Mk1A વિમાન, રાજનાથ સિંહ ભરશે પહેલી ઉડાન…