હોટલને 1 રૂપિયો જીએસટી વસુલવો મોંધો પડયો, ગ્રાહકને 8001 રૂપિયા ચૂકવવા આદેશ

ભોપાલ: મધ્ય પ્રદેશના હોટલ માલિકને એમઆરપી ઉપરાંત જીએસટી વસુલવો મોંધો પડયો છે. જેમાં હોટલ મેનેજમેન્ટ ને 1 રૂપિયાના બદલે 8001 રૂપિયાનું વળતર ચૂકવવા ગ્રાહક આયોગે આદેશ આપ્યો છે. આ સમગ્ર કેસની વિગત મુજબ ભોપાલની એક હોટલમાં ગ્રાહક પાસેથી 1 રૂપિયો જીએસટી વસૂલવામાં આવ્યો હતો.જેના વિરોધમાં ગ્રાહકે હોટલ સ્ટાફ સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો. સ્ટાફે ગ્રાહકને યોગ્ય જવાબ આપવાના બદલે દલીલ કરી હતી. તેથી ગ્રાહકે ન્યાય માટે ગ્રાહક ફોરમનો સંપર્ક કર્યો હતો. જેમાં ચુકાદો ગ્રાહકની તરફેણમાં આવ્યો અને આયોગે એમ પણ કહ્યું કે ગ્રાહકને બે મહિનાની અંદર વળતર મળવું જોઈએ.
હોટેલ મેનેજમેન્ટે બે મહિનાની અંદર વળતર ચૂકવે
આ કેસની સુનાવણી ગ્રાહક આયોગમાં અધ્યક્ષ યોગેશ દત્ત શુક્લા અને સભ્ય પ્રતિભા પાંડે દ્વારા કરવામાં આવી હતી. તેમણે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે જીએસટી એમઆરપીમાં જ સામેલ હોય છે. તેથી અલગથી જીએસટી વસૂલવો ગેરકાયદે છે. આ કેસમાં, ગ્રાહક આયોગે ચુકાદો આપ્યો કે હોટેલ મેનેજમેન્ટે બે મહિનાની અંદર જીએસટી તરીકે વસૂલવામાં આવેલ 1 રૂપિયાની રકમ ગ્રાહકને પરત કરવી જોઈએ. માનસિક વેદના અને સેવામાં ખામી માટે વળતર તરીકે 5,000 રૂપિયા પણ ચૂકવવા અને હોટલે કાનૂની કાર્યવાહી માટે 3,000 રૂપિયા પણ ચૂકવવા પડશે.
બોટલ પર છપાયેલ એમઆરપી 20 રૂપિયા હતી
ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર 2021 માં ભોપાલની ઐશ્વર્યા નિગમ મિસરોદની મોતી મહેલ ડિલક્સ હોટેલમાં ગઈ હતી. અહીં તેણે તેના મિત્ર સાથે રાત્રિભોજન કર્યું જ્યાં ભોજનનું બિલ 796 રૂપિયા હતું. આમાં બિસ્લેરી પાણીની બોટલ 29 રૂપિયામાં વેચાઈ હતી. જ્યારે બોટલ પર છપાયેલ એમઆરપી 20 રૂપિયા હતી. આ સાથે, હોટેલ મેનેજમેન્ટે પાણીની બોટલ પર એક રૂપિયો જીએસટી પણ વસૂલ્યો હતો.
આપણ વાંચો: વેપાર અંગેની સમસ્યાના ઉપાયની તપાસ માટેના દસ્તાવેજો ઓનલાઈન પાઠવવા પ્લેટફોર્મ તૈયાર કરતી સરકાર
હોટેલ મેનેજમેન્ટે એક ગ્લાસ પણ આપ્યો ન હતો
ફરિયાદી ઐશ્વર્યાએ કહ્યું, જ્યારે તેમણે હોટલ સ્ટાફને બજાર ભાવ કરતા વધુ કિંમતે બોટલ વેચવાની ફરિયાદ કરી, ત્યારે વિવાદ થયો. તેઓએ કહ્યું કે તેમણે બોટલબંધ પાણી ખરીદવું પડશે. અહીં સ્ટાફે તેમને પાણી પીવા માટે એક ગ્લાસ પણ ન આપ્યો.
મેનુ કાર્ડમાં કિંમત અને જીએસટી બંનેનો ઉલ્લેખ હતો
અહીં હોટેલ મેનેજમેન્ટનું કહેવું છે કે ગ્રાહકને આપવામાં આવેલા મેનુ કાર્ડમાં કિંમત અને જીએસટી બંનેનો ઉલ્લેખ હતો. મેનેજમેન્ટે જણાવ્યું હતું કે હોટેલમાં બેસવાની જગ્યા, એર કન્ડીશનર અને મ્યુઝિક સહિતની અન્ય સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. ત્યારે પાણી પર જીએસટી લાદવાનો કાનૂની અધિકાર છે. જોકે, આયોગે આ દલીલને ફગાવી દીધી હતી.