નેશનલ

નરસિંહરાવ, ચરણસિંહ, સ્વામીનાથનને ભારતરત્ન

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડા પ્રધાનો – પી. વી. નરસિંહ રાવ અને ચરણસિંહ તેમ જ હરિતક્રાંતિમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા એમ. એસ. સ્વામીનાથનને ભારતરત્ન આપવાની શુક્રવારે જાહેરાત કરી હતી.

કેન્દ્ર સરકારે અગાઉ બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કર્પૂરી ઠાકુર અને ભાજપના સ્થાપક સભ્યોમાંના એક તેમ જ રામજન્મભૂમિ માટેના આંદોલનના ‘સારથિ’ લાલકૃષ્ણ અડવાણીને દેશના નાગરિક માટેનો સર્વોચ્ચ પુરસ્કાર ભારતરત્ન આપવાની જાહેરાત કરી હતી.

ચાલુ વર્ષે પાંચ જણને ભારતરત્ન આપવાની જાહેરાત કરાઇ હોવાથી તે અત્યાર સુધી એક વર્ષમાં ભારતરત્ન મેળવનારા લોકોની સૌથી વધુ સંખ્યા છે. અગાઉ, ૧૯૯૯માં ચાર જણને ભારતરત્ન અપાયો હતો.

દેશમાં છૂટછાટભરી આર્થિક નીતિનો અમલ કરાવીને અર્થતંત્રમાં મોટા પાયે આર્થિક સુધારા લાવવા બદલ નરસિંહ રાવને, ખેડૂતોના લાભાર્થે અનેક પગલાં લેવા માટે અને કૉંગ્રેસ-વિરોધી ચળવળમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા બદલ ચરણસિંહને અને કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે સ્વામીનાથનને ભારતરત્ન આપવાની જાહેરાત કરાઇ હતી. ઉત્તર પ્રદેશમાંના પશ્ર્ચિમ વિસ્તારની જાટ કોમના નેતા ચરણસિંહ ૧૯૭૯-૮૦ દરમિયાન વડા પ્રધાન હતા અને રાજકારણમાં કૉંગ્રેસ-વિરોધી જુવાળ ઊભો કરનારા નેતાઓમાંના એક હતા.

કૉંગ્રેસના નેતા નરસિંહ રાવ ૧૯૯૧-૯૫ સુધી પાંચ વર્ષની મુદત માટે વડા પ્રધાન રહ્યા હતા અને તેમણે અનેક આર્થિક સુધારા કર્યા હતા.

મોદીએ જણાવ્યું હતું કે ચરણસિંહે દેશના વડા પ્રધાન ઉપરાંત, વિધાનસભ્ય, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અને દેશના ગૃહ પ્રધાન તરીકે અતુલ્ય સેવા કરી હતી. તેઓ ઇન્દિરા ગાંધી દ્વારા ૧૯૭૫માં લદાયેલી કટોકટીના કટ્ટર વિરોધી હતા. લોકસભાની આગામી ચૂંટણીમાં ચરણસિંહના પૌત્ર જયંતસિંહના
નેતૃત્વ હેઠળનો રાજકીય પક્ષ આરએલડી લોકસભાની એપ્રિલ – મેમાં યોજાનારી ચૂંટણી માટે ભાજપ સાથે યુતિ કરવા મંત્રણા કરી રહ્યો હોવાનું કહેવાય છે.

મોદીએ કૉંગ્રેસના તેલુગુ નેતા પી. વી. નરસિંહ રાવના કાર્યની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે રાવ બહુ જ વિદ્વાન હતા અને અનેક ભાષા જાણતા હતા. તેમણે દેશના વડા પ્રધાન ઉપરાંત આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન, કેન્દ્રના પ્રધાન અને સાંસદ તરીકે દેશની અનન્ય સેવા કરી હતી. તેમણે દેશમાં આર્થિક સુધારા કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને દેશની આર્થિક નીતિ છૂટછાટભરી બનાવી હતી.

વડા પ્રધાને હરિત ક્રાંતિના જનક ગણાતા સ્વામીનાથન દ્વારા ખેડૂતોના લાભાર્થે કરાયેલા કાર્યની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે સ્વામીનાથને દેશના કૃષિ ક્ષેત્રે મોટું પરિવર્તન આણ્યું હતું અને તેને લીધે ખેડૂતોને બહુ જ ફાયદો થયો છે.

ચાલુ વર્ષે પાંચ જણને ભારતરત્ન આપવાની જાહેરાત કરાઇ છે, પરંતુ તેમાંના લાલકૃષ્ણ અડવાણી (ઉં.વ.૯૬) જીવિત છે, જ્યારે બાકીના ચારને મરણોત્તર ભારતરત્ન અપાશે.
અગાઉ, બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કર્પૂરી ઠાકુરને મરણોત્તર ભારત રત્ન આપવાની જાહેરાત રાષ્ટ્રપતિભવને થોડા દિવસ પહેલા કરી હતી.

‘જનનાયક’ તરીકે લોકપ્રિય કર્પૂરી ઠાકુર ૧૯૭૦ના ડિસેમ્બરથી ૧૯૭૧ના જૂન સુધી અને ૧૯૭૭ના ડિસેમ્બરથી ૧૯૭૯ના એપ્રિલ સુધી બિહારના મુખ્ય પ્રધાનપદે રહ્યા હતા.

બિહારના સમસ્તીપુર જિલ્લામાં ૧૯૨૪ની ૨૪ જાન્યુઆરીએ જન્મેલા કર્પૂરી ઠાકુરની જન્મ શતાબ્દીની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિભવને તેમને મરણોત્તર ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. તેઓ એક શિક્ષક અને સ્વાતંત્ર્યસેનાની પણ હતા. તેઓ બે વખત મુખ્ય પ્રધાન, એક વખત નાયબ મુખ્ય પ્રધાન, વિરોધ પક્ષના નેતા અને અનેક વર્ષો સુધી વિધાનસભ્ય રહ્યા હતા.

કર્પૂરી ઠાકુરે પછાત વર્ગોના ધ્રુવીકરણ, હિંદીના પ્રચાર, સમાજવાદી વિચારધારાના ફેલાવા, ખેતીનો પૂરો લાભ ખેડૂતો સુધી પહોંચાડવા માટે મહત્ત્વનો ફાળો આપ્યો હતો. તેઓ બિહારમાં અનેક ઊંચા હોદ્દા પર રહ્યા હોવા છતાં ઘણી વખત કારને બદલે રિક્ષામાં જ ફરતા હતા અને સાદગી માટે જાણીતા હતા. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…