આનંદો! સરકાર દેશભરમાં સસ્તા ભાવે વેચશે ‘ભારત આટા’
ઘઉંના સતત વધતા ભાવથી પરેશાન લોકોને મળશે રાહત
નવી દિલ્હીઃ ઘઉંના સતત વધી રહેલા ભાવને કારણે સરકારે તહેવારોની સિઝનમાં સસ્તા ભાવે લોટ વેચવાનો નિર્ણય લીધો છે. બજારમાં નોન-બ્રાન્ડેડ લોટની છૂટક કિંમત 30-40 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે બ્રાન્ડેડ લોટ 40-50 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યો છે. હવે કેન્દ્ર સરકારે દેશભરમાં 27.50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ‘ભારત આટ્ટા’ આપવાનો નિર્ણય લીધો છે. ઘઉંનો આ લોટ 10 કિલો અને 30 કિલોના પેકમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે સોમવારે દિલ્હીમાં લોટ વિતરણ વાહનો (મોબાઈલ વાન)ને લીલી ઝંડી બતાવી હતી. આ લોટ દેશભરમાં બે હજાર આઉટલેટ્સ પર ઉપલબ્ધ થશે. તેનું વેચાણ નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા, સફલ, મધર ડેરી અને અન્ય સહકારી સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે.
આ દરમિયાન કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું હતું કે આ માટે વિવિધ સરકારી એજન્સીઓને 2.5 લાખ મેટ્રિક ટન ઘઉંની ફાળવણી કરવામાં આવી છે. કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, હાલમાં દેશમાં લોટની સરેરાશ કિંમત 35 રૂપિયા પ્રતિ કિલો છે. બજારમાં નોન-બ્રાન્ડેડ લોટની છૂટક કિંમત 30-40 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે બ્રાન્ડેડ લોટ 40-50 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યો છે. ઘઉંના સતત વધી રહેલા ભાવને કારણે સરકારે તહેવારોની સિઝનમાં સસ્તા ભાવે લોટ વેચવાનો નિર્ણય લીધો છે.
આ પહેલા સરકારે ગયા જુલાઈમાં ભારત ચણા દાળનું વેચાણ શરૂ કર્યું હતું. ભારત દાળ હેઠળ એક કિલોનું રિટેલ પેક બનાવવામાં આવ્યું છે, જેની કિંમત 60 રૂપિયા પ્રતિ કિલો રાખવામાં આવી છે. હાલમાં દેશભરમાં કાંદાના ભાવ ઘણા ઊંચા હોવાથી કેન્દ્ર સરકાર 25 રૂપિયે કિલોના રાહત દરે કાંદાનું વેચાણ પણ કરી રહી છે.