ભજનલાલ શર્માએ રાજસ્થાનની કમાન સંભાળી લીધી | મુંબઈ સમાચાર
નેશનલ

ભજનલાલ શર્માએ રાજસ્થાનની કમાન સંભાળી લીધી

જયપુર: ભજનલાલ શર્માએ શુક્રવારે અહીં રાજસ્થાનના મુખ્ય પ્રધાનના હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.

ભજનલાલ શર્માની સાથે નાયબ મુખ્ય પ્રધાનો – દિયાકુમારી અને પ્રેમચંદ બૈરવાની શપથવિધિ પણ યોજાઇ હતી. રાજ્યપાલ કાલરાજ મિશ્રાએ આ ત્રણે જણને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના પ્રમુખ જે. પી. નડ્ડા, અનેક કેન્દ્રીય પ્રધાન અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત અનેક રાજ્યના મુખ્ય પ્રધાનો હાજર રહ્યા હતા. અહીંના આલ્બર્ટ હૉલના પ્રાંગણમાં બપોરે ૧૨ વાગ્યે શપથવિધિ યોજાઇ હતી.

કાર્યક્રમના સ્થળે કડક સલામતી વ્યવસ્થા કરાઇ હતી.

કાર્યક્રમના સ્થળ તરફ જતાં મોટા ભાગના રસ્તા પર સુશોભન કરાયું હતું અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણ યોજનાના હૉર્ડિંગ્સ અને બેનર્સ ભાજપના નેતાઓના ફોટા સાથે લગાડાયા હતા.
ભાજપને રાજસ્થાનમાં પચીસ નવેમ્બરે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ૧૧૫ બેઠક મળી હતી, જ્યારે કૉંગ્રેસે ૬૯ બેઠક જીતી હતી.

રાજસ્થાન વિધાનસભાની કુલ ૨૦૦ બેઠક છે, પરંતુ એક બેઠક પરના ઉમેદવારનું અવસાન થતાં ત્યાં ચૂંટણી નહોતી યોજાઇ અને શેષ ૧૯૯ બેઠક પર મતદાન થયું હતું.

ભજનલાલ શર્મા પ્રથમ વખત વિધાનસભ્ય બન્યા છે અને ભાજપના કેન્દ્રીય નિરીક્ષકો – રાજનાથ સિંહ, સરોજ પાણ્ડેય અને વિનોદ તાવડેની હાજરીમાં ભાજપના ધારાસભ્યોના પક્ષની યોજાયેલી બેઠકમાં ભજનલાલ શર્માનું નામ મુખ્ય પ્રધાનપદ માટે જાહેર કરાયું હતું.

વિદ્યાનગરનાં વિધાનસભ્ય દિયાકુમારી અને દૂદૂના વિધાનસભ્ય પ્રેમચંદ બૈરવાને નાયબ મુખ્ય પ્રધાન તેમ જ અજમેર ઉત્તરના વિધાનસભ્ય વાસુદેવ દેવ્યાનીને વિધાનસભાના સ્પીકર તરીકે પસંદ કરાયા હતા.

નવા મુખ્ય પ્રધાનના શપથવિધિ કાર્યક્રમમાં વિદાઇ લઇ રહેલા મુખ્ય પ્રધાન અશોક ગહલોત અને તેમના કટ્ટર હરીફ ગણાતા ગજેન્દ્રસિંહ શેખાવત એકબીજાની બાજુમાં બેઠા હતા. (એજન્સી)

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button