નેશનલ

રાજસ્થાનમાં બ્રાહ્મણ કુળના ભજનલાલ શર્માને કમાન સોંપી

ભાજપ હાઈકમાન્ડની સરપ્રાઈઝની હેટટ્રીક

મુખ્ય પ્રધાન -ભજનલાલ શર્મા,
નાયબ મુખ્ય પ્રધાન -દિયાકુમારી
નાયબ મુખ્ય પ્રધાન -પ્રેમચંદ બૈરવા

નવી દિલ્હી: ભજનલાલ શર્માની રાજસ્થાનના નવા મુખ્ય પ્રધાન તરીકે વરણી કરવામાં આવી છે. વિધાનસભ્યોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

જયપુરની સંગનેર બેઠક પર પ્રથમ વાર વિધાનસભ્ય તરીકે ચૂંટાયેલા ભજનલાલને મુખ્ય પ્રધાન બનાવીને ભાજપે લોકસભાની ચૂંટણી અગાઉ બ્રાહ્મણ કાર્ડ રમ્યો છે. દિયાકુમારી અને પ્રેમચંદ બૈરવાને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે. વાસુદેવ દેવનાનીને વિધાનસભાના સ્પીકરની જવાબદારી સોંપવામાં આવી છે. ભરતપુરના રહેવાસી ૫૬ વર્ષના ભજનલાલના નામનો પ્રસ્તાવ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે સિંધિયાએ મૂક્યો હતો. ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહ, વિનોદ તાવડે અને સરોજ પાન્ડેની ઉપસ્થિતિમાં નવા ચૂંટાયેલા વિધાનસભ્યોએ સર્વાનુમતીથી આ નિર્ણય લીધો હતો. ત્યાર બાદ પ્રતિનિધિમંડળ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા રાજભવન પહોંચ્યું હતું.

રાજસ્થાનમાં આ વખતે ફરી ત્રણ દાયકા જૂનો રિવાજ કાયમ રહ્યો હતો. જનતાએ પાંચ વર્ષ જૂની કૉંગ્રેસની સરકારને હટાવીને ભાજપને તક આપી છે.

પચીસ નવેમ્બરે થયેલા મતદાનમાં ભાજપે સંપૂર્ણ બહુમતી મેળવી હતી.

૧૩ નવેમ્બરે જાહેર થયેલા પરિણામમાં ભાજપે ૧૧૫ બેઠક મેળવી હતી. કૉંગ્રેસને માત્ર ૬૯ બેઠકથી જ સંતોષ માની લેવો પડ્યો હતો.

મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની જેમ જ રાજસ્થાનમાં પણ ભાજપ સામૂહિક નેતૃત્ત્વમાં ચૂંટણીના મેદાનમાં ઉતર્યો હતો. ભાજપના મુખ્ય પ્રધાનપદના
ઉમેદવાર તરીકે કોઈ દાવેદારના નામની જાહેરાત કરવામાં નહોતી આવી.

ભાજપના મુખ્ય પ્રધાનપદના ઉમેદવારના નામની લાંબા સમયથી અટકળો થઈ રહી હતી.

વસુંધરા રાજે, બાબા બાલકનાથ, ગજેન્દ્રસિંહ શેખાવત સહિત લગભગ અડધો ડઝને જેટલા નામ ચર્ચામાં હતા.

કેનદબઈ તહેસિલના અટારી ગામના રહેવાસી ભજનલાલ શર્મા પહેલીવાર વિધાનસભ્ય બન્યા છે. જયપુરના સંગનેર તહેસિલના તે વિધાનસભ્ય બન્યા છે. તેઓ મુનિમ તરીકે કામ કરતા હતા અને તે માટે તેમને મહિને આઠ હજાર રૂપિયા પગાર મળતો હતો.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)નો ટેકો ધરાવતા ભજનલાલ સાંગનર બેઠક પર ૪૮,૦૮૧ મતથી વિજયી થયા હતા.

શર્મા હાલ રાજ્ય ભાજપ એકમના મહામંત્રી છે અને તેઓ પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ ડિગ્રી ધરાવે છે.

પક્ષની વિધાનસભ્યોની બેઠક અગાઉ લેવામાં આવેલી તસવીરમાં ભજનલાલ છેલ્લી હરોળમાં જોવા મળ્યા હતા.

જયપુર શાહી પરિવારનાં સભ્ય દિયાકુમારી બે વખત વિધાનસભ્ય અને એક વખત સાંસદ રહ્યાં છે.

૫૧ વર્ષનાં ભાજપના આ નેતા વર્ષ ૨૦૧૩માં સવાઈ માધોપુર બેઠક પરથી પ્રથમ વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં.

મુખ્ય પ્રધાનપદની રેસમાં દિયાકુમારી પણ અગ્રણી દાવેદાર હતાં. વર્ષ ૨૦૧૯માં દિયાકુમારી રાજસમંદથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં.

દિયાકુમારી જયપુરના શાહી પરિવારના સવાઈ ભવાનીસિંહના પુત્રી છે. દીયાકુમારી રાજસ્થાન આય બૅન્ક સોસાયટી સહિત અનેક બિનસરકારી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલાં છે.

દિયાકુમારી સાથે જ નાયબ મુખ્ય પ્રધાન તરીકે વરણી કરવામાં આવેલા બૈરવા ભાજપનો દલિત ચહેરો છે. પચીસ નવેમ્બરે યોજાયેલી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ૫૪ વર્ષના બૈરવા જુજુ મતદાર બેઠક પરથી વિજયી નીવડ્યા હતા.

બૈરવાએ કૉંગ્રેસના ઉમેદવાર બાબુલાલ નાગરને ૩૫.૭૪૩ મતથી હરાવ્યા હતા. બૈરવાએ જયપુરસ્થિત રાજસ્થાન યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી મેળવી હતી. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button