ભાદરવો ભરપૂર: ગુજરાતમાં નદીઓ ગાંડીતૂર
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં શ્રાવણ મહિનો કોરોધોકાર ગયાં બાદ બેસતાં ભાદરવે જ પૂર બહાર ખીલેલા મેઘરાજાએ શનિવારથી શરૂ કરેલા આખરી દોરમાં સમગ્ર રાજ્યને પાણી પાણી કરી મૂક્યું હતું. રવિવારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ સતત બીજા દિવસે સોમવારે પણ સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર તથા દક્ષિણ ગુજરાત ધોધામાર વરસાદથી તરબતર થયું હતું. નર્મદા ડેમ પાણીથી સંપૂર્ણ એટલે કે ૧૦૦ ટકા ભરાઇ ગયો છે જ્યારે સાવચેતીના ભાગરૂપે સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા કાંઠા વિસ્તારનાં ગામડાઓમાં પાણી ઘૂસ્યાં હતાં અને છ હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. આ ઉપરાંત મહી સાગર અને તાપી નદી સહિતની મોટા ભાગની નદીઓ ગાંડીતૂર થતાં અનેક ગામડાઓમાં પાણી ઘૂસ્યાં હતાં. ભરૂચ, આણંદ, પંચમહાલ, સહિતના સાત જેટલા જિલ્લામાંથી ૧૨ હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યાં છે. સરકારે જળમગ્ન જિલ્લાઓમાં બચાવ અને રાહત માટે એનડીઆરએફ સહિતની ટીમોને કામે લગાડી છે. આ ઉપરાંત ભરૂચ જિલ્લામાં નર્મદા નદી પરનો નર્મદા મૈયા બ્રિજ સહિતના અનેક બ્રિજ પર સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે. જ્યારે મુંબઇ- વડોદરા-અમદાવાદ વચ્ચેનો ટ્રેન વ્યવહાર બંધ થયો હતો.
રાજ્યમાં સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીના ૧૨ કલાકમાં ધોધમાર વરસાદ ચાલુ રહ્યો હતો. દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો સૌથી વધુ વિસાવદરમાં ૧૨.૫ ઇંચથી વરસાદ વરસ્યો હતો જ્યારે રાજ્યના ૨૩૮ તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ વિસાવદરમાં ૧૨.૫ ઇંચ, ઉત્તર ગુજરાતમાં રાધનપુરમાં ૬ ઇંચ અને ભાભરમાં ૫ ઇંચ, મેંદરડામાં ૭.૨, વંથલીમાં ૫.૬, બહુચરાજીમાં ૫.૫, દિયોદરમાં ૪.૩, મહેસાણામાં ૪.૩, ડીસામાં ૪, બગસરામાં ૪, રાપરમાં ૨.૭, જૂનાગઢ શહેરમાં ૩.૮, વડગામમાં ૩.૩, ધ્રાંગધ્રામાં ૩.૩, હળવદમાં ૩.૧, દાંતીવાડામાં ૩.૧ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત માળિયા હાટિના, થરાદ, ભેસાણ, વિસનગર, અમિરગઢ, તાલાલા, હારિજ, ઇડર, કાંકરેજ, ધાનેરા, લખતર, પાલનપુર, કાલાવડ, સાંતલપુરમાં બે થી ત્રણ ઇંચ પાણી વરસ્યું હતું.
અમદાવાદ, અમરેલી, અરવલ્લી, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ગાંધીનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, કચ્છ, ખેડા, મહેસાણા, મહિસાગર, મોરબી, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને વલસાડમાં મેઘ મહેર રહી હતી. દરમિયાન સોમવારે સવારે પૂરા થતાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં ૨૩૯ મિ.મી., શહેરામાં ૨૩૨ મિ.મી. અને મહિસાગરના વિરપુરમાં ૨૨૮ મિ.મી. એટલે કે ૯ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય ૩ તાલુકાઓમાં ૮ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં ૨૧૦ મિ.મી., અરવલ્લીના બાયડમાં ૨૦૮ મિ.મી. અને ધનસુરામાં ૨૦૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૯૫.૧૭ ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૩૬.૫૨ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧૨.૦૨ ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં ૮૪.૯૫ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૮૫.૬૩ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં ૯૨.૫૦ ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.