બેંગલુરુથી કોચી જઈ રહેલી ફ્લાઈટના એન્જીનમાં આગ લાગી, બેંગલુરુ એરપોર્ટ પર ફુલસ્કેલ ઈમરજન્સી જાહેર કરાઈ | મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝનેશનલ

બેંગલુરુથી કોચી જઈ રહેલી ફ્લાઈટના એન્જીનમાં આગ લાગી, બેંગલુરુ એરપોર્ટ પર ફુલસ્કેલ ઈમરજન્સી જાહેર કરાઈ

બેંગલુરુ: ગત રાત્રે બેંગલુરુ(Bengaluru)ના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (KIA)થી એર ઇન્ડિયા એક્સપ્રેસ(Air India Express)ની ફ્લાઇટે કોચી માટે ટેક ઓફ કર્યા બાદ અચાનક એન્જિનમાં આગ લાગી હતી, જેને કારણે ફ્લાઈટનું બેંગલુરુ પર ઈમરજન્સી લેન્ડીંગ(Emergency Landing) કરાવવામાં આવ્યું હતું, આ ઘટનાને ક્રમે ફુલ સ્કેલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી.

બેંગલોર ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ(BIAL)એ એક નિવેદનમાં જણાવ્યું કે “ફ્લાઇટ IX 1132 એ 23:12 કલાકે એક એન્જિનમાં આગ લાગવાને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. જેને કારણે ફુલ સ્કેલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. લેન્ડિંગ પછી તરત જ આગ ઓલવાઈ ગઈ હતી. તમામ 179 મુસાફરો અને છ ક્રૂ સભ્યોને એરક્રાફ્ટમાંથી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.”

બેંગલોર ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (BIAL) કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (KIA) નું સંચાલન કરે છે, આ એરપોર્ટ દેશના ત્રીજું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે.

એર ઈન્ડિયા એક્સપ્રેસ, જણાવ્યું કે એરક્રાફ્ટના જમણા એન્જિનમાં આગની જ્વાળાઓને કારણે પાઇલોટ્સે બેંગલુરુ પરત ફરવાનો નિર્ણય કર્યો હતો.

એર ઈન્ડિયા એક્સપ્રેસે વધુમાં જણાવ્યું કે , “સાવચેતી પૂર્વક લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. ગ્રાઉન્ડ સર્વિસને આગની જાણ કરવામાં આવી હતી.”

કોઈપણ મુસાફરોને ઇજા પહોંચાડ્યા વિના તમામને બહાર કાઢવા બદલ એર ઈન્ડિયા એક્સપ્રેસે ફ્લાઇટ ક્રૂની પ્રશંસા કરી હતી. એર ઈન્ડિયા એક્સપ્રેસ ટાટા ગ્રૂપની એર ઇન્ડિયાની પેટાકંપની છે.

એર લાઈન્સે જણાવ્યું કે, “અસુવિધા બદલ અમે દિલગીર છીએ અને અમારા મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે તેમના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવા માટે કામ કરી રહ્યા છીએ. આગનું કારણ શોધવા માટે રેગ્યુલેટર સાથે સંપૂર્ણ તપાસ પૂર્ણ કરવામાં આવશે,”

Back to top button