Attack on ED team : ‘બંગાળમાં કાયદો વ્યવસ્થા જેવું કશું નથી રહ્યું’ અધીર રંજનના TMC પર પ્રહારો

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ(Congress) અને તૃણમૂલ કોંગ્રેસ(TMC) વચ્ચે લોકસભા ચૂંટણીની બેઠકોની વહેંચણી માટે ખેંચતાણ ચાલી રહી છે ત્યારે કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરી બંગાળ સરકાર અને મમતા બેનર્જી પર સતત પ્રહારો કરી રહ્યા છે. અધીર રંજન ચૌધરીએ હવે પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવીને ટીએમસી સરકારને ઘેરી છે.
શુક્રવારે પશ્ચિમ બંગાળમાં EDની ટીમ પર થયેલા હુમલા અંગે કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, “શાસક સરકારના ગુંડાઓ દ્વારા ED અધિકારીઓ પર હુમલા પછી, એ સ્પષ્ટ છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા નથી. આજે અધિકારીઓ ઘાયલ થયા, કાલે તેમની હત્યા પણ થઈ શકે છે, એ મારા માટે આશ્ચર્યજનક નહી હોય.”
બીજી તરફ આ ઘટના અંગે ટીએમસી સાંસદ શાંતનુ સેને કહ્યું કે, “કેન્દ્રીય દળો દ્વારા ઘેરાયેલી કેન્દ્રીય તપાસ એજન્સીના અધિકારીઓએ સ્થાનિક લોકોને ઉશ્કેર્યા હતા, તેથી વળતી કાર્યવાહી કરવામાં આવી હતી. દિલ્હીથી તૈયાર થતા આવા કાવતરું બનતું જોઈને દેશની જનતા નિરાશ છે. પશ્ચિમ બંગાળમાં TMCના કિસ્સામાં પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. તેનાથી વિપરિત, જે વ્યક્તિ આ બધું સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યો છે તે ભ્રષ્ટાચારની યાદીમાં ટોચ પર છે. કેમેરાની સામે સામે પૈસા લેતા જોવા મળ્યો હતો. તેના પરિવારના અન્ય સભ્યો પણ ભ્રષ્ટાચારના આરોપો છે, પરંતુ તેઓ ભાજપનો હોવાથી તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.”
ઘટનાની જાણકારી મુજબ રાશન કૌભાંડ મામલામાં ટીએમસી નેતા એસકે શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા માટે ઈડીની ટીમ ઉત્તર 24 પરગના જિલ્લાના સંદેશખાલી ગામમાં પહોંચી હતી. લગભગ 200 લોકો ત્યાં આવ્યા અને ED ટીમ પર હુમલો કર્યો. ટોળાએ ED અધિકારીઓની સાથે કેન્દ્રીય સુરક્ષા દળોના વાહનોની પણ તોડફોડ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ટીમમાં EDના આસિસ્ટન્ટ ડાયરેક્ટર પણ સામેલ હતા. હુમલામાં ઘાયલ ED ટીમના સભ્યોને કોલકાતાની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.