નેશનલ

બંગાળના કૉંગ્રેસી નેતા કૌસ્તવ બાગચીએ પાર્ટી છોડી: ભાજપમાં જોડાવાના સંકેત આપ્યા

કોલકાતા: પશ્ર્ચિમ બંગાળના કૉંગ્રેસના નેતા કૌસ્તવ બાગચીએ બુધવારે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું અને સંગઠનમાં સન્માન મળતું ન હોવાનો આક્ષેપ કર્યો હતો.

પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી અંગેની ટિપ્પણી બાદ ગયા વર્ષે ધરપકડ કરાયેલા કૌસ્તવ બાગચીએ જામીન પર છૂટ્યા પછી મુંડન કરાવી નાખ્યું હતું. તેમણે પોતાનું રાજીનામું કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખર્ગેને મોકલી આપ્યું હતું અને તેની નકલો રાજ્યના પાર્ટીના વડા અધિર રંજન ચૌધરી અને જનરલ સેક્રેટરી તેમ જ રાજ્યના ઈન-ચાર્જ ગુલામ અહમદ મીરને મોકલી આપી છે.

જ્યારે પુછવામાં આવ્યું ત્યારે બાગચીએ કહ્યું હતું કે શક્ય છે કે કેટલાક લોકો મને હવે પાર્ટી વિરોધી કહેવા લાગશે, પરંતુ મેં એક વસ્તુ વારંવાર કહી છે કે ભ્રષ્ટ ટીએમસી (તૃણમુલ કોંગ્રેસ) સાથે કૉંગ્રેસ ગઠબંધન કરે તેનો હું વિરોધ કરું છું.

અહીં ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ અને ટીએમસી વિપક્ષોના બનેલા ઈન્ડિ ગઠબંધનના સહભાગી પક્ષો છે.

કૉંગ્રેસનું મોવડી મંડળ પશ્ર્ચિમ બંગાળ એકમને કોઈ મહત્ત્વ આપતું નથી એટલે હું મારા આત્મ સન્માન સાથે બાંધછોડ કરીને પાર્ટીમાં રહેવા માગતો નથી, એમ તેમણે કહ્યું હતું.

ભવિષ્યની યોજના અંગે પુછવામાં આવતાં તેમણે ભાજપમાં જોડાવાના સંકેત આપ્યા હતા.

તમારે એકાદ બે દિવસ રાહ જોવી પડશે. બધું ત્યાં સુધીમાં સ્પષ્ટ થઈ જશે. મારે એટલું કહેવું છે કે અત્યારના તબક્કે ભાજપના ફક્ત સુવેન્દુ અધિકારી જ છે, જેઓ પશ્ર્ચિમ બંગાળમાંથી તૃણમુલ સરકારને બહાર કાઢી શકે છે, એમ તેમણે કહ્યું હતું.

ગયા વર્ષના માર્ચ મહિનામાં જામીન પર મુક્ત થયા બાદ બાગચીએ મુંડન કરાવી નાખ્યું હતું અને ત્યારે તેમણે એવા શપથ લીધા હતા કે જ્યાં સુધી મમતા બેનરજીની સરકાર નહીં જાય ત્યાં સુધી તેઓ વાળ ઉગાડશે નહીં. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button