પશ્ચિમ બંગાળમાં મંત્રીઓ-ધારાસભ્યોની મોજ, મમતા બેનર્જીએ 40 હજાર રૂપિયાનો પગાર વધારો કર્યો

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ રાજ્યના વિધાન સભ્યોના પગારમાં દર મહિને 40 હજાર રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે. ગૃહમાં જાહેરાત કરતા બેનરજીએ કહ્યું હતું કે મુખ્ય પ્રધાનના પગારમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી કારણ કે તેઓ લાંબા સમયથી કોઈ પ્રકારનો પગાર નથી લઈ રહ્યા. તેમણે કહ્યું હતું, “પશ્ચિમ બંગાળ વિધાનસભાના ધારાસભ્યોનો પગાર અન્ય રાજ્યોની સરખામણીએ ઘણો ઓછો છે. તેથી તેમના પગારમાં દર મહિને 40 હજાર રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બેનરજીએ જો કે, પગાર વધારો કર્યા પછી વિવિધ સ્થાયી સમિતિઓના સભ્યો તરીકે ભથ્થાં અને વધારાના પગાર સહિત ધારાસભ્યોના વાસ્તવિક પગારની વિગતો આપી ન હતી, પરંતુ એવું માનવામાં આવે છે કે મમતા બેનરજીના આ નિર્ણય બાદ રાજ્યના પ્રધાનોનો માસિક પગાર 10,900 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. ધારાસભ્યોને હવે 10,000 રૂપિયાના બદલે 50,000 રૂપિયા માસિક પગાર આપવામાં આવશે.
તે જ સમયે, કેબિનેટ મંત્રીઓની રકમ 11,000 રૂપિયાથી વધારીને 51,000 રૂપિયા કરવામાં આવી છે. કેબિનેટ મંત્રીઓ, રાજ્ય મંત્રીઓ અને ધારાસભ્યો કે જેઓ માસિક પગાર સિવાય અન્ય ભથ્થાના હકદાર છે તેમાં કોઇ ફરક નહીં પડે.
રાજ્ય સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આનો અર્થ એ થશે કે પગાર અને ભથ્થા સહિત ધારાસભ્યોની માસિક ચૂકવણી હવે 81,000 રૂપિયા પ્રતિ માસના વર્તમાન દરથી વધીને 1.21 લાખ રૂપિયા થઈ જશે. તેવી જ રીતે હવે મંત્રીઓનો માસિક પગાર પ્રતિ માસ રૂ.1.10 લાખથી વધીને રૂ.1.50 લાખ પ્રતિ માસ થશે