કોલકાતાઃ પશ્ચિમ બંગાળના એક ગામમાં બુધવારે સવારે બીજેપીના એક નેતા મૃત હાલતમાં મળી આવ્યા હતા. ભાજપના નેતાની ઓળખ શુભદીપ મિશ્રા ઉર્ફે દીપુ તરીકે થઈ છે. તેનો મૃતદેહ બાંકુરા જિલ્લાના નિધિરામપુર ગામમાં એક ઝાડ પર લટકતો મળી આવ્યો હતો, જે બાદ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી.
બીજેપી નેતાના મોતના સમાચાર મળતા જ વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. કેટલાક સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે કે શુભદીપ મિશ્રા ઉર્ફે દીપુની હત્યા કરી ઝાડ પર લટકાવી દેવામાં આવી હતી. લોકોએ ગુનેગારોની ધરપકડની માંગ સાથે વિરોધ પણ શરૂ કર્યો હતો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે આ ઘટના કોઈ પરસ્પર વિવાદના કારણે બની છે કે પછી તેની પાછળ કોઈ રાજકીય કારણ છે. દરમિયાન ભાજપે આરોપ લગાવ્યો છે કે દીપુ મિશ્રાની હત્યા શાસક તૃણમૂલ કોંગ્રેસના ઈશારે કરવામાં આવી છે અને આ મામલાની સીબીઆઈ તપાસ થવી જોઈએ.
બીજેપી નેતા સુવેન્દુ અધિકારીએ આરોપ લગાવ્યો છે કે ટીએમસીના ગુંડાઓએ શુભદીપ મિશ્રાની હત્યા કરી, તેના હાથ બાંધી દીધા અને લાશને ઝાડ પર લટકાવી દીધી. બાંકુરા જિલ્લાના શુભદીપ મિશ્રા ભાજપના ઉમેદવાર હતા, જેમણે સલટોરા વિધાનસભા મતવિસ્તારના ગંગાજલઘાટી બ્લોકના લોટિયાબોની આંચલના નિધિરામપુરથી 2023ની પંચાયતની ચૂંટણી પણ લડી હતી. તેમની હત્યા કરવામાં આવી છે કારણ કે TMCના ચોર અને ગુંડાઓ તેમની વધતી લોકપ્રિયતા અને ભ્રષ્ટાચાર સામેના વલણને પચાવી શક્યા નથી. વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ સોશિયલ મીડિયા પર આ મામલે સીબીઆઈ તપાસની પણ માંગ કરી છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા સુવેન્દુ અધિકારીએ લખ્યું હતું કે આ એક હત્યા છે. ત્યાં એક વીડિઓ ઉપલબ્ધ છે, જે મેં પોસ્ટ કર્યો છે. હાથ બાંધ્યા પછી કોઈ ઝાડ પર લટકી શકતું નથી. તેના હાથ બાંધેલા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હત્યારાઓએ તેના હાથ બાંધી દીધા અને પછી તેને ઝાડ પર લટકાવી દીધો. અમને લાગે છે કે આ એક રાજકીય હત્યા છે અને પોલીસની અસમર્થતા છે અને તેમાં તૃણમૂલ કોંગ્રેસના ગુંડા સામેલ છે. અમે પરિવારની માંગ સાથે સહમત છીએ અને આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છીએ.