(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે સત્રના આરંભે સોનામાં રાજકીય-ભૌગોલિક ચિંતા વચ્ચે સલામતી માટેની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના પ્રોત્સાહક અહેવાલ હતા, જ્યારે ચાંદીમાં નરમાઈનું વલણ રહ્યું હતું. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો વધુ 12 પૈસા ગબડ્યો હોવાથી આયાત પડતરો વધવાને કારણે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 410થી 411નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 389નો ચમકારો આવ્યો હતો.
આજે વૈશ્વિક ચાંદીમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવા છતાં સ્થાનિકમાં રૂપિયો નબળો પડ્યો હોવાથી અને ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં મધ્યસત્ર દરમિયાન વિશ્વ બજારથી વિપરીત ભાવ કિલોદીઠ રૂ. 389 વધીને રૂ. 87,900ના મથાળે રહ્યા હતા. જોકે, આજે જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પાંખી રહી હતી. વધુમાં આજે સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત ડૉલર સામે રૂપિયો નબળો પડતાં આયાત પડતર વધવાને કારણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 410 વધીને રૂ. 75,980 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 411 વધીને રૂ. 76,285ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની નવી લેવાલીનો અભાવ હતો અને માત્ર રિટેલ સ્તરની છૂટીછવાઈ માગ જોવા મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ઈઝરાયલ અને હમાસ બન્નેએ તાજેતરમાં એકબીજા પર શાંતિ કરારને અંતિમ ઓપ આપવામાં વિલંબ કરી રહ્યાના આક્ષેપો કરતાં મધ્ય પૂર્વના દેશોમાં તણાવ યથાવત્ રહે તેવી ભીતિ હેઠળ આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં સલામતી માટેની માગને ટેકે હાજરમાં ભાવ આગલા બંધ સામે 0.4 ટકા વધીને 2623.82 ડૉલર અને વાયદામાં ભાવ 0.1 ટકા વધીને 2639.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે વર્ષ 2024માં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં વર્ષ 2010 પછીનો સૌથી મોટો 27 ટકાનો વધારો નોંધાયો છે. વધુમાં આજે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 0.3 ટકા ઘટીને આૈંસદીઠ 29.51 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
તાજેતરમાં સોનામાં રાજકીય-ભૌગોલિક તણાવને ધ્યાનમાં લેતા સલામતી માટેની માગને ટેકે ભાવમાં સુધારો જોવા મળ્યો છે. તેમ જ સત્ર દરમિયાન ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડની વધઘટ અનુસાર સોનામાં પણ વધઘટ જોવા મળી શકે છે, એમ આઈજી માર્કેટના સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે જણાવ્યું હતું. તે જ પ્રમાણે સિંગાપોર સ્થિત ગોલ્ડ સિલ્વર સેન્ટ્રલના મેનેજિંગ ડિરેક્ટર બ્રિઆન લાને જણાવ્યું હતું કે મધ્ય પૂર્વના દેશોમાં હાલ રાજકીય-ભૌગોલિક અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે અને જો તણાવમાં વધારો થશે તો સોનામાં સુધારો આગળ ધપી શકે છે, અન્યથા આ વર્ષના અંત સુધી ભાવ હાલના મથાળા આસપાસ જ અથડાતા રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
Also Read – ફરી ડૉલર સામે રૂપિયો ગગડ્યોઃ જાણો ક્યા પહોંચ્યો
જોકે, હવે રોકાણકારોની નજર અમેરિકી ભાવી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની વેપાર અને વેરાની નીતિઓ અને ફેડરલ રિઝર્વની નીતિ પર સ્થિર થઈ છે. વધુમાં આજે ઑસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ અને યુરો ઝોનની બજારો બોક્સિંગ ડેની જાહેર રજા નિમિત્તે બંધ રહ્યાના અહેવાલ હતા.