નેશનલવેપાર

વિશ્વ બજાર પાછળ સોનું રૂ. ૭૫૪ ઉછળીને રૂ. ૭૦,૦૦૦ની પાર, ચાંદીમાં રૂ. ૭૮નો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકા ખાતે ગઈકાલે જુલાઈ મહિનાનો પર્ચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ નબળ આવ્યાના નિર્દેશ સાથે આર્થિક વૃદ્ધિની ચિંતા સપાટી પર આવી હતી. આ ઉપરાંત મધ્યપૂર્વનાં દેશોમાં તણાવને પગલે સોનામાં સલામતી માટેની માગ અને ફેડરલ રિઝર્વે આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાના આપેલા સંકેતને પગલે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં તેજીનું વલણ જળવાઈ રહ્યાના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૫૧થી ૭૫૪ના ઉછાળા સાથે રૂ.

૭૦,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા, જ્યારે ચાંદીમાં સાધારણ કિલોદીઠ રૂ. ૭૮નો સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની ખપપૂરતી માગને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.

૭૫૧ની તેજી સાથે રૂ. ૭૦,૧૯૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૫૪ વધીને રૂ. ૭૦,૪૭૫ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૭૮ના સાધારણ સુધારા સાથે રૂ. ૮૩,૫૪૨ના મથાળે રહ્યા હતા.

પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૨૪૫૮.૪૯ ડૉલર અને ડિસેમ્બર વાયદામાં ભાવ ૦.૯ ટકા વધીને ઔંસદીઠ ૨૫૦૨.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના વાયદામાં ભાવ ૧.૬ ટકા વધીને ઔંસદીઠ ૨૮.૯૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.
એકંદરે ગઈકાલે અમેરિકાના પર્ચેઝિંગ મેનેજર ઈન્ડેક્સમાં અપેક્ષા કરતાં વધુ ઘટાડો આવતાં ફેડરલ રિઝર્વની લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખવાની નીતિને કારણે અર્થતંત્ર પર માઠી અસર પડી રહી હોવાની ભીતિ સપાટી પર આવતા સોનાની તેજીને ટેકો મળ્યો હોવાનું વિશ્ર્લેષકોએ જણાવતાં ઉમેર્યું હતું કે આ ઉપરાંત મધ્યપૂર્વના દેશોમાં વધેલા તણાવને કારણે સોનામાં સલામતી માટેની માગ ખૂલવાની સાથે સાથે ફેડરલ રિઝર્વે આગામી સપ્ટેમ્બરથી વ્યાજદરમાં કાપ મૂકવાના સંકેતો આપ્યા હોવાથી સોનાની તેજીને ઈંધણ મળ્યું છે.

નોંધનીય બાબત એ છે કે આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના વૈશ્ર્વિક ભાવમાં ત્રણ ટકા જેટલો ઉછાળો નોંધાયો છે. જોકે, હવે રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના રોજગારીના ડેટા પર સ્થિર થઈ હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button