સૂર્યગ્રહણ પૂર્વે આજે એક વિશેષ યોગ એક કરોડ સૂર્યગ્રહણ સ્નાન કરવા જેટલું મળશે પુણ્ય
જ્યારે ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ શનિવાર અને શતભિશા નક્ષત્રનો સહયોગ થાય છે ત્યારે ખૂબ જ પવિત્ર અને મહત્વનો યોગ રચાય છે, જેને વરૂણી પર્વ તરીકે ઓળખવામાં આવે છે. ચૈત્ર માસમાં કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ શતભિશા નક્ષત્ર આવવાથી વરુણી યોગ રચાય છે. ઘણા વર્ષો પછી આ વખતે છ એપ્રિલે શનિવારે આ યોગ રચાયો છે. એમ કહેવાય છે કે જે પણ વ્યક્તિ આ પર્વમાં ગંગા કે અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે તેમની ત્રણ કરોડ પેઢીઓનો ઉધાર થાય છે અને સાથે જ એક કરોડ સૂર્યગ્રહણમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.
વરૂણી યોગના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને શ્રદ્ધાપૂર્વક દાનધર્મના કાર્ય કરવાથી ઘણું જ શુભ ફળ મળે છે. આ યોગની દરેક ક્ષણ પવિત્રતાથી ભરેલી અને શુદ્ધ માનવામાં આવે છે. આ તહેવારનું વર્ણન ધર્મસિંધુ,કાશી વગેરે શાસ્ત્રોમાં પણ જોવા મળે છે. માન્યતાઓ અનુસાર દેવતાઓ માટે પણ આ યોગ અસાધ્ય અને મુશ્કેલ છે, કારણ કે તેઓએ પણ પવિત્ર સ્નાનનો લાભ લેવા માટે પૃથ્વી પર આવવું પડે છે.
વરૂણી યોગમાં સુખ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે ગંગા યમુના અથવા કોઈપણ પવિત્ર નદી ઘાટ કે તળાવ વગેરેમાં સ્નાન કરવું જોઈએ. જો એ શક્ય ન હોય તો નાહવાના પાણીમાં ગંગાજળ મિક્સ કરીને તમામ નક્ષત્રનું સ્મરણ કરીને સ્નાન કરવું જોઈએ. તે પછી ભગવાન શિવ અને વિષ્ણુની પૂજા કરવી જોઈએ તુલસીની સામે દીવો પ્રગટાવીને ગીતા ભાગવત જેવા ધાર્મિક ગ્રંથોના પાઠ કરવા જોઈએ. આ ઉપરાંત દાન, હવન, યજ્ઞ અને વિવિધ શુભ કાર્યો કરવાથી પાપ અને તાપનું શમન થાય છે. આ દિવસે પૈસા અને વસ્ત્રોનું દાન કરવું શુભ ગણાય છે.